- કોરોનાનું નવું વેરિયન્ટ છે વધુ ખતરનાક
- કોરોનાના નવા વેરિયન્ટના કારણે ત્રણ જ મહિનામાં 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
- કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ વધુ ગંભીર
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધુ ખતરનાક બની રહી છે અને કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે. ભારતમાં અને વિશ્વમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સમગ્ર વિશ્વમાં એક વર્ષ દરમિયાન કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 30 લાખ થઇ છે. જેમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કારણે ત્રણ જ મહિનામાં 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ વધુ ગંભીર હોવાનું સ્વીકાર્યુ છે અને કહ્યું છે કે વિશ્વમાં સૌથી વધારે અહીંયા લોકો મોતને ભેટી રહ્યા છે.
બીજી તરફ ભારતની સ્થિતિ પણ વિકટ બની રહી છે અને હવે રોજ કોરોનાના 1 લાખ કરતા વધારે દર્દીઓ નોંધાઇ રહ્યા છે. જે અમેરિકા બાદ સૌથી વધારે છે. યુરોપના 51 દેશોમાં લગભગ 11 લાખ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અમેરિકામાં 5.55 લાખ લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, એક અંદાજ અનુસાર વિશ્વમાં 37 કરોડ લોકોને અત્યારસુધીમાં કોરોના વેક્સીન આપવામાં આવી છે. આમ છતાં કોરોનાના સંક્રમણની રફતાર યથાવત્ છે. ખાસ કરીને જ્યાં રસી ઉપલબ્ધ થઇ નથી અથવા ઓછી માત્રામાં રસી ઉપલબ્ધ છે તેવા ગરીબ દેશો પર કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે.
(સંકેત)