- કોરોના વાયરસની સારવાર માટે વેક્સીનને લઇને દરેકને આશા
- વેક્સીન આવતા વર્ષના મધ્યમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા: WHO
- વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો ચાલશે
કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે. જો કે હવે વિશ્વ ધીરે ધીરે અનલોક થઇ રહ્યું છે. કોરોના સંક્રમણની સારવાર માટે વિશ્વના દરેક લોકો વેક્સીનની શોધ પર મીટ માંડીને બેઠા છે. વેક્સીનની ઝડપી શોધ માટે સૌ કોઇ આશા સેવી રહ્યા છે. જેથી ફરીતી એકવાર સામાન્ય જીવન જીવવાની શરૂઆત કરી શકાય. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માતે વિશ્વએ કોરોના મહામારી સામે વેક્સીન માટે લાંબો સમય રાહ જોવી પડશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા માગ્રેટ હેરિસે શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના વેક્સીન ટૂંકા ગાળામાં આવી જાય તે સંભવ નથી. વેક્સીન આવતા વર્ષના મધ્યમાં ઉપલબ્ધ થાય તેવી આશા છે. તેમણે કોરોના વેક્સીનની ચાલી રહેલી ક્લિનિકલ ટ્રાયલ્સ અંગે જણાવ્યું હતું કે, ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો હશે, કારણ કે વેક્સીન સામે લોકોની સુરક્ષા પણ અત્યંત મહત્વનો મુદ્દો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના અંદાજે 76 દેશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વૈશ્વિક કોરોના વેક્સીન વિતરણ યોજનામાં સામેલ થયા છે, જેનો મુખ્ય હેતુ વેક્સીન ખરીદવાનો અને તેના વિતરણનો છે.
(સંકેત)