- અમીર દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHOએ ચિંતા વ્યક્ત કરી
- તેનાથી લાંબા સમય સુધી કોવિડ મહામારીનો અંત નહીં આવે
- વેક્સિન વિતરણમાં અસમાનતા ચિંતાજનક: WHO
નવી દિલ્હી: વિશ્વના કેટલાક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે બચવા માટે આડેધડ રીતે બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેનાથી કોવિડ-19 રોગચાળને ટકી રહેવાની શક્યતા વધારે છે તેવી ચેતવણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે આપી છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક રસી અસમાનતામાં વધારો કરે છે અને તેનાથી કોઇપણ દેશ મહામારીમાંથી બહાર આવી શકશે નહીં તેવું લાગી રહ્યું છે.
વેક્સિનને લઇને વાત કરતા WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે, વેક્સિને ઘણા લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ તેના અસમાન વિતરણને કારણે ઘણા લોકોનાં મોત પણ નિપજ્યા છે.
દૈનિક ધોરણે જે વેક્સિન અપાય છે તેમાં 20 ટકા તો બૂસ્ટર ડોઝ છે. અમીર દેશોમાં ઝડપી બૂસ્ટર ડોઝ કોવિડ-19 રોગચાળાને ટકી રહેવાની શક્યતા વધુ બનાવશે. તેનો અંત નહીં. વધુ વેક્સિનેશનનો વ્યાપ ધરાવતા દેશોમાં વેક્સિનના પુરવઠામાં વધારો કરવાથી વાયરસને ફેલાવવાની અને તેના પ્રકારો બદલવાની વધુ તક મળશે.
ટેડ્રોસે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થયેલા અથવા કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોનો મોટો હિસ્સો રસી મેળવી શક્યા નથી. તેમણે કહ્યું, “વૈશ્વિક પ્રાથમિકતા તમામ દેશોમાં શક્ય તેટલી વહેલી તકે 40 ટકા રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવાની હોવી જોઈએ અને તમામ દેશોએ તેને સમર્થન આપવું જોઈએ.
તે ઉપરાંત તેમણે સાવચેત અને સતર્ક રહેવાની અપીલ કરતા જણાવ્યું કે, “ઓમિક્રોન વેરિઅન્ટ ઘણા દેશોમાં પ્રબળ બની ગયું હોવાથી આપણે વધુ સાવચેત રહેવાની જરૂર છે. 2021 આપણામાંના ઘણા લોકો માટે ખૂબ જ દુઃખદ વર્ષ રહ્યું છે. પરંતુ નવા વર્ષમાં આમાંથી કેટલાક પાઠ શીખવા પડશે.