આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ: નાચે મન મોરા મગન… તીક ના ધીગી ધીગી…
વિશ્વ નૃત્ય દિવસની નીમિતે આણંદના જાણીતા સમાજસેવક સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મુકી છે. તેમજ લખ્યું છે કે, જે પામ્યા છે એ નાચ્યા છે.જે નાચ્યા છે એ પામ્યા છે. કૃષ્ણએ નૃત્ય સાથે શૃંગાર અને શમ જોડ્યાં.મીરાંએ ભક્તિ જોડી.લલ્યદેહીએ આત્મવિસ્મૃતિ જોડી,ચૈતન્ય મહાપ્રભુએ નૃત્ય સાથે સમર્પણને સાંધ્યું.
વિશ્વ આખામાં પ્રકાર,પ્રણાલી કે પધ્ધતિ ફેરે પણ નૃત્ય સામાન્ય છે.સાવ આદિમ અવસ્થામાં જીવતાં આદિજનો કે સુસંસ્કૃત સમાજનાં ભદ્રજનો બધાં માટે નત્ય આનંદપ્રવૃત્તિ છે.સંસ્કૃતમાં ‘નૃ’ માનવજાતને ઇંગિત કરે છે.નૃત્ય કોઇને કોઇ સ્વરુપે માનવ સમસ્તની વૃત્તિ છે.
માનવીને ઉત્પત્તિ પછી એને જ્યારે આનંદબોધ કે આનંદની અનુભૂતિ થઇ હશે ત્યારે એના કંઠથી ધ્વની અને શરીરથી થીરકન થઇ હશે.ધ્વની તો કદાચ બીજા ક્રમે આવે પ્રથમ એના આનંદની કાયિક પ્રસ્તુતી થઇ હશે.એ પ્રસ્તુતીમાં એના હાથ,પગ,મસ્તક,આંખએ બધાંએ સામાન્યથી અલગ હલચલ કરી હતી.સીધા ચાલતા પગ આડા કે ત્રાંસા થયા હશે,હાથ-આંગળાંની કોઇ અસહજ ક્રિયા થઇ હશે,મસ્તક ડોલ્યું હશે,આંખ ત્રાંસી થઇ હશે.ડગલાં માંડતા માણસે આનંદથી આ બધા સાથે ઠેકડો માર્યો હશે ને સર્જાયું પ્રથમ નૃત્ય હશે.માણસના વિકાસ સાથે એમાં કાળક્રમે નૃત્યકળા પણ વિકસતી રહી ને આજના મુકામે પહોંચી .
આજે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ છે. 1982થી UNESCO દર વર્ષે ઉજવે છે. દર વર્ષ એક દેશ મુખ્ય યજમાન બને છે. 18મી સદીમાં થયેલા મહાન નૃત્યકાર Jean-Georges Noverreની જયંતિએ એની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે. Jean આધુનિક બેલે ( Ballet)નો સર્જક લેખાય છે. ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટીટ્યુટ યુનેસ્કોની સહાયક છે આ આયોજનમાં. આ દિવસે વિશ્વભરમાં નૃત્યના વિકાસ અને વિસ્તારના કાર્યક્રમો યોજાય છે.
ભારતીય પ્રણાલીમાં નૃત્ય અને નૃત છે. ભારતીય નૃત્ય છેક શંકર-પાર્વતીના તાંડવ અને લાસ્યમાં નૃત્યોત્રી ધરાવે છે. શાસ્ત્રીયનૃત્ય અને લોકનૃત્ય ,પ્રદેશે અને પ્રજાએ અપાર વૈવિધ્ય ધરાવે છે. એકલ નૃત્ય છે તો સમૂહનૃત્ય છે. રાસ એ ગુજરાતનું સમૂહ લોકનૃત્ય છે. જગતભરમાં નૃત્ય અપરંપાર વિવિધતાઓ સાથે વિલસે છે.નૃત્ય કાળબાધ્ય નથી. એ શાશ્વતકળા છે. પૃથ્વી પર છેલ્લો માણસ હશે ત્યાં સુધી નૃત્ય હશે.
નૃત્ય માણસના આનંદની અભિવ્યક્તિ છે ને આનંદનું માધ્યમ પણ છે, ઉપાદાન પણ. આસક્ત, વિરકત, ભક્ત, મુક્ત સૌ નાચ્યા છે. નાચ્યો ન હોય અને નૃત્ય જોઇ આનંદ પામ્યો ન હોય એવો જણ જડવો દોહ્યલો..
નૃત્ય, કાયા અને માયાનું ભાન ભૂલવી દે છે ત્યારે સમાધી છે. નૃત્ય ચિત્તને સ્થિર કરી દે છે ત્યારે તપ. આનંદ આપે છે ત્યારે નૃત્ય ચિદાનંદરુપ છે. નૃત્ય ઇશ્વર આગળ થાય તો આરાધના, ગુણીજનો સમક્ષ સાધના, પ્રિયજન સાથે થાય તો સંવનન, નિતાંત એકાંતમાં થાય તો મનન -ચિંતન.
નરસૈંયો એમજ હાથ ભડભડી જાય એટલો મગ્ન થઇ ગયો હશે?..
નૃત્ય તને નમીએ…