Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં નવાજૂની કરશે ભારત? વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકાથી સીધા જ કતાર પહોંચ્યા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલી કટોકટી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક કતાર પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા.

ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે અને આ સંદર્ભે વૈશ્વિક સ્તરે પણ ચર્ચા કરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર માટે અચાનક કતાર પહોંચવું એ મહત્વનું છે. અમેરિકાની બે દિવસની મુલાકાતથી પરત ફરેલા વિદેશ મંત્રી એસ જયશંકર કતારમાં થોડા સમય માટે રોકાયા હતા અને નાયબ વડાપ્રધાન શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી.

અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણાને લઇને કતારમાં વાતચીત ચાલી રહી છે. કેટલાક તાલિબાન નેતાઓ હજુ પણ ત્યાં છે.

વિદેશ મંત્રી એસ જયશંકરની આ બેઠક અંગે કશું વિસ્તૃત કહેવામાં આવ્યું નથી. વિદેશ મંત્રીએ પોતે આ માહિતી ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, અફઘાનિસ્તાન અંગેના મહત્વપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું છે. બીજી તરફ શેખ અલ થાનીએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો તેમજ અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા ફેરફારો અંગે ચર્ચા થઇ છે.

આ વચ્ચે અફઘાનિસ્તાનને લઇને ભારત અને અમેરિકા વચ્ચે પણ સતત ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ યોજાઇ રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને ફરી એક વાર ચર્ચા કરી છે.