- રશિયા યુક્રેન પર હુમલો કરે તો અમેરિકા નહીં સાંખે
- જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમે આકરા પ્રતિબંધો રશિયા પર લગાવીશું: અમેરિકા
- રશિયાએ યુક્રેન પર હુમલાની આકરી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે તેવી જ તંગદિલીની સ્થિતિ યુક્રેન અને રશિયા વચ્ચે પણ જોવા મળી રહી છે. યુક્રેન અંગે રશિયા અને અમેરિકા વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે. આ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે યોજાયેલી બેઠક પણ સ્થગિત રહી હતી. હવે યુક્રેન મુદ્દે અમેરિકન પ્રમુખ જો બાઇડેને જણાવ્યું છે કે, યુક્રેન પર હુમલાની જવાબદારી રશિયા પર થોપવામાં આવશે. તે ઉપરાંત બાઇડેને ચેતવણી ઉચ્ચારી છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરવાનું પગલું લેશે તો અમેરિકા રશિયાને નુકસાન પણ પહોંચાડી શકે છે.
બાયડને રશિયાને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી છે કે, રશિયા, યુક્રેન ઉપર આક્રમણ કરશે પરંતુ આ હુમલાની તેણે આકરી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમે રશિયા પર ખૂબ જ આકરા પ્રતિબંધો લગાવીશું. અમે અગાઉથી જ યુક્રેનને 44.67 અબજ રૂપિયાથી વધુના જટિલ સંરક્ષણ ઉપકરણ મોકલ્યા છે. યુક્રેન પર હુમલાની સ્થિતિમાં રશિયાને મોટું ભૌતિક નુકસાન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ગંભીર બની રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ગયા ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે, અમે માત્ર અમારી સંયુક્ત ચિંતાઓને જોવા માટે જ સહયોગીઓ અને ભાગીદારો સાથે સમન્વય નથી સાધ્યો, પરંતુ અમે એ બાબતનું પણ ધ્યાન રાખીશું કે રશિયા યુક્રેન વિરુદ્ધ નવેસરથી આક્રમક્તા અપનાવશે તો અમે સાર્થક અને વ્યાપક પ્રતિક્રિયા આપીશું.