Site icon Revoi.in

બગદાદમાં યુએસ દૂતાવાસ પર હુમલા માટે ટ્રમ્પે ઇરાનને જવાબદાર ઠેરવ્યું, કાર્યવાહી કરવાની આપી ચિમકી

Social Share

વૉશિંગ્ટન: ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર કરાયેલા રોકેટ હુમલા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ ઇરાનને ધમકી આપી છે કે જો આ હુમલામાં કોઇ અમેરિકન નાગરિકનું મોત થયું છે તો લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે અમેરિકાના દૂતાવાસ પર છોડાયેલા રોકેટની તસવીર ટ્વીટ કરીને કહ્યું છે કે, આ રોકેટ ઇરાનથી આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે રવિવારે બગદાદમાં અમારા દૂતાવાસ પર કેટલાક રોકેટ છોડવામાં આવ્યા હતા. ત્રણ રોકેટ છોડી શકાયા નહતા. અંદાજ લગાવો કે આ રોકેટ ક્યાંથી આવ્યા હતા. ઇરાન. અમને એવી વાત મળી છે કે ઇરાકમાં અમેરિકાના નાગરિકો પર વધુ હુમલાઓ થઇ શકે છે. ઇરાનને હું મિત્ર તરીકે સલાહ આપીશ, જો એકપણ અમેરિકન નાગરિકનું મોત થયું તો ઇરાનને જવાબદાર ઠેરવવામાં આવશે અને હું આ વાતને ગંભીરતાથી લઇ રહ્યો છું.

ઈરાકની સેનાએ જણાવ્યું હતું કે રવિવારે અત્યંત સુરક્ષિત ગણાતા ગ્રીન ઝોન વિસ્તારમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. આ રોકેટ હુમલાથી તણાવ વધવાની આશંકા પ્રબળ બની છે. ઈરાકને મતે એક પ્રતિબંધિત સંગઠને ગ્રીન ઝોનમાં આઠ રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં એક ઈરાકી સૈનિક ઘાયલ થયો અને કેટલીક ઈમારોતને નુકસાન પહોંચ્યું હતું.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ ચિંતિત છે કે ઇરાન સમર્થિત સૈનિક ઇરાકમાં 3 જાન્યુઆરીએ ઇરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાની વરસીએ હુમલો કરી શકે છે. તાજેતરના રોકેટ હુમલા પછી અમેરિકાના કાર્યકારી રક્ષામંત્રી, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે બુધવારે એક બેઠક યોજી હતી.

(સંકેત)