- હવે વીજળીના તાર વગર પણ વીજળી થશે સપ્લાય
- ન્યૂઝીલેન્ડની સરકાર એક સ્ટાર્ટ અપ સાથે આ માટે કરી રહી છે કામ
- આગામી સમયમાં વીજ તાર વગર પણ તમારા ઘરમાં વીજળી સપ્લાય થશે
નવી દિલ્હી: તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે તમે સવારે ઉઠો અને તમારી ઘરની સામે આવેલો વીજળીનો થાંભલો જ ગાયબ હોય. ડરી ગયા ને?, ડરવાની જરૂર નથી. હવે આ કલ્પના હકીકતમાં પરિણમે તેવી સંભાવના છે. એવો સમય આવશે જ્યારે વીજળીના તાર અને થાંભલા ગાયબ હોવા છતાં તમારા ઘરમાં લાઇટ-પંખા અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચાલુ રહેશે. હકીકતમાં, ન્યૂઝીલેન્ડની સરકાર અને એમરોડ નામનું એક સ્ટાર્ટઅપ સંયુક્તપણે આ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો આ ભાગીદારી સફળ રહેશે તો તેનાથી તાર વગર વીજળી સપ્લાય કરવાનું સપનું સાકાર થઇ શકે છે.
તાર વગર વીજળીની સપ્લાય એ કોઇ કાલ્પનિક વાત જ લાગે પરંતુ આ વાત સાચી છે. હવે આ પ્રકારની ટેકનિકનો વિકાસ થઇ ચૂક્યો છે. આ પાયલટ પ્રોગ્રામમાં ન્યૂઝીલેન્ડના બીજા સૌથી મોટી વીજળી વિતરક કંપની પાવરકો આ વર્ષે સ્ટાર્ટઅપ કંપની એમરોડની તકનિકની પરિક્ષણ શરૂ કરશે.
આ બન્ને કંપનીઓએ આ ટેસ્ટ માટે 130 ફૂટના એક પ્રોટોટાઇપ વાયરલેસ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તૈનાત કરવાની યોજના બનાવી છે. તેને સંભવ કરવા માટે એમરોડએ રેક્ટિફાઇડ એંટીનાને વિકસિત કર્યું છે. તેને રેક્ટિનાનું નામ અપાયું છે. આ એંટીના મારફતે ટ્રાંસમિટર એંટીનાથી મોકલાતી વીજળીના માઇક્રોવેવને પકડી શકાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની તકનિક ખાસ કરીને ન્યૂઝીલેન્ડના પહાડી વિસ્તારો માટે વરદાનરૂપ સાબિત થશે.
એમરોડના સંસ્થાપક ગ્રેગ કુશનિરે જણાવ્યું હતું કે અમે લાંબા અંતરની વાયરલેસ પાવર ટ્રાન્સમિશન માટે એક તકનિક વિકસિત કરી ચૂક્યા છે. આ તકનિક ઘણા લાંબા સમયથી કાર્યરત છે. તેનાથી ઉર્જાના ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. મશહૂર વૈજ્ઞાનિક નિકોલ ટેસ્લાએ પહેલી વાર આ પ્રકારની વાયરલેસ વિજ સપ્લાયની કલ્પના કરી હતી.
વર્ષ 1890ના દાયકામાં સૌપ્રથમ ટેસ્લાએ જ તાર વગરની પાવર સપ્લાયની કલ્પના કરી હતી. આ માટે તેમણે ટેસ્લા કોઇલ નામની એક ટ્રાન્સફોર્મર સર્કિટ પર કામ પણ કર્યું હતું, જે વીજળી પેદા કરતું હતું, પરંતુ તેઓ એ સાબિત ના કરી શક્યા કે તેઓ લાંબા અંતર પર વીજળીના એક બીમને નિયંત્રિત કરી શકે છે.
(સંકેત)