- મડાગાસ્કરમાં ભૂખમરાની વિકટ સ્થિતિ
- ભૂખમરાને કારણે લોક તીડ અને થોર ખાવા મજબૂર
- સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: આફ્રિકા પહેલાથી જ ગરીબીમાંથી પસાર થઇ રહ્યું છે અને હવે પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ વધુ વિકટ બની છે. અહીંયા ભૂખમરાની સ્થિતિ એ હદે વિષમ છે કે લોકો અહીંયા તીડ અને થોર ખાવા માટે મજબૂર બન્યા છે. નિષ્ણાતો અનુસાર છેલ્લા ચાર દાયકામાં અહીંયા ભયાનક દુષ્કાળ પડ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષથી આવી જ સ્થિતિ છે. સંયુક્ત રાષ્ટ્રોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને મદદ કરવા માટે અપીલ કરી છે.
નિષ્ણાતો અનુસાર મડાગાસ્કરમાં છેલ્લા ત્રણેક વર્ષથી દુકાળની સ્થિતિ જોવા મળી રહી છે અને ગરમ વાવાઝોડાં આવવાને કારણે અહીંયા પાક પણ ઉગ્યો નથી. તેથી સંયુક્ત રાષ્ટ્રોએ અન્ય દેશોને મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. આ ઉપરાંત છેલ્લા ચાર દાયકામાં આવો વિકટ દુકાળ ક્યારેય પડ્યો નથી.
ડબલ્યૂ.એફ.પી. એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી કે મડાગાસ્કરમાં સ્થિતિ વણસી શકે છે અને દક્ષિણ વિસ્તારમાં ખૂબ ભયંકર અકાળ પડે તેવી આગાહી પણ કરવામાં આવી હતી.
મડાગાસ્કરની વસતિ 2.84 કરોડ લોકોની છે અને યુનાઇટેડ નેશન્સ હજુ સુધી મડાગાસ્કર માટે 12 કરોડ ડૉલર જ એકત્ર કરી શક્યું છે.