- પાકિસ્તાન અને તુર્કીને ઝટકો
- પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત્
- તુર્કીને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું
નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાના પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આ મામલામાં ફરી એકવાર તેને વૈશ્વિક સંસ્થા તરફથી ઝાટકો લાગ્યો છે. FATFએ પાકિસ્તાનને તેની ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. એટલું જ નહીં આ વખતે તેના મિત્ર એવા તુર્કીને પણ ઝટકો લાગ્યો છે.
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ માટે પીએમ મોદી સહિત G-20 નેતાઓએ સમર્થનની પુન:પુષ્ટિ કરી છે. મની લોન્ડરિંગ, આતંકી ફંડિગ અને પ્રસાર સામે લડવા માટે કરવામાં આવેલા ઉપાયોના અમલીકરણ માટે નાણાકીય બજારોમાં વિશ્વાસ જગાડવા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાની અખંડિતતાનું રક્ષણ કરવું આવશ્યક છે.
મની લોન્ડરિંગ અને આતંકવાદને ફાઇનાન્સિંગ સામે લડવામાં તેની ખામીઓ બાદ FATFએ તુર્કીને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું છે. તુર્કી ઉપરાંત જોર્ડન અને માલીને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, પાકિસ્તાન અને તુર્કી અત્યારે આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યાં છે ત્યારે FATFનો આવેલો આ નિર્ણય બંને દેશ માટે આંચકારૂપ સાબિત થશે. ટર્કિશ ચલણમાં ઘટાડો થયો છે અને ફુગાવો 20 ટકાની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે પાકિસ્તાનની હાલત પણ ખસ્તાહાલ છે. ખાવાના ફાંફા છે. પાકિસ્તાન આર્થિક એટલું કંગાળ થઇ ગયું છે કે કોઇ તેને લોન આપવા માટે પણ રાજી નથી.