- Forbesએ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી
- આ યાદીમાં ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પણ મળ્યું સ્થાન
- આ સાથે તેઓ ભારતના સૌથી શક્તિશાળી મહિલા બની ગયા છે
નવી દિલ્હી: Forbesએ વિશ્વના 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે ભારતના સૌથી શક્તિશાળી મહિલા બની ગયા છે. આંતરરાષ્ટ્રીય Forbes મેગેઝીને તેમને વિશ્વના 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે. નિર્મલા સીતારમણને આ યાદીમાં 37મો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
ફોર્બ્સની આ યાદીમાં નાયકાના સ્થાપક તેમજ CEO ફાલ્ગુની નાયર પણ છે. આ વખતે યાદીમાં સારુ સ્થાન પ્રાપ્ત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનને પણ પાછળ છોડ્યા છે. આ યાદીમાં તેમને 88મું સ્થાન મળ્યું છે.
આ યાદીમાં ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત એ પણ છે કે આ યાદીમાં એક ત્રીજા ભારતીય મહિલાને પણ સામેલ કરવામાં આવ્યા છે. ફોર્બ્સે આ યાદીમાં HCL Technologiesના ચેરપર્સન રોશની નાડરને પણ સામેલ કર્યા છે. તેમને આ યાદીમાં 52મું સ્થાન મળ્યું છે. નાડર દેશની કોઇ આઇટી કંપનીને લીડ કરનારા પહેલા મહિલા અધિકારી છે. આ સૂચિમાં બાયોકોનના સ્થાપક તેમજ એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર શોને પણ સ્થાન અપાયું છે. તેઓ યાદીમાં 72માં ક્રમાંકે છે.
આ યાદીમાં પ્રથમ સ્થાને મેકેન્ઝી સ્કોટ છે. સ્કોટ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોન ગ્રુપના માલિક જેફ બેજોસની પૂર્વ પત્ની છે. વર્ષ 2019માં આ બંનેના છૂટછેડા થયા હતા. આ યાદીમાં બીજા ક્રમાંકે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ છે.