- ઇજિપ્તના સુએઝ કેનાલમાં લાગેલો જામ હવે દૂર થવાની આશા
- એક સપ્તાહથી કેનાલમાં ફસાયેલું માલવાહક જહાજ ફરી તરવા લાગ્યું છે
- આ વિશાળકાય જહાજને હટાવવાની કામગીરીમાં બે વિશેષ બોટ લગાવવામાં આવી હતી
નવી દિલ્હી: ઇજિપ્તના સુએઝ કેનાલમાં જે જામ લાગ્યો છે તેનાથી ટૂંક સમયમાં છૂટકારો મળે તેવી આશા છે. અહેવાલ અનુસાર ત્યાં લગભગ એક સપ્તાહથી ફસાયેલું જહાજ એવરગીવેન ફરી તરવા લાગ્યું છે. મીડિયા એજન્સી બ્લૂમબર્ગના હવાલાથી આ જાણકારી મળી છે. આ વિશાળકાય જહાજને હટાવવાની કામગીરીમાં બે વિશેષ બોટ લગાવવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે એશિયા અને યૂરોપની વચ્ચે માલ લઇ જનારું માલવાહક જહાજ એવરગિવેન મંગળવારે નહેરમાં ફસાઇ ગયું હતું. ત્યારથી જહાજને કાઢવા તેમજ જળમાર્ગને જામથી મુક્ત કરવાના પ્રયાસો સતત થઇ રહ્યા છે. આ નહેરથી રોજનો નવ અબજ ડૉલરનો કારોબાર થઇ રહ્યો છે.
જહાજના ફસાવાથી વૈશ્વિક પરિવહન તથા વ્યાપાર પર ખુબ ખરાબ અસર પડી છે જે પહેલાથી જ કોરોના મહામારીથી પ્રભાવિત છે. મરીન ટ્રાફિક ડોટ કોમના સેટેલાઇટ ડેટા મુજબ ડચ ધ્વજવાળી એલ્પ ગાર્ડ અને ઈટાલિયન ધ્વજવાળી કાર્લો મેગ્નો પહેલાથી જ આ વિશાળકાય જહાજને હટાવવામાં લાગેલી બોટોની મદદ માટે બોલાવવામાં આવી હતી જે રવિવારે ત્યાં પહોંચી હતી.
એવરગીવન જહાજની પ્રબંધક કંપની બર્નહાર્ડ શૂલ્ડ શિપમેનેજમેન્ટે જણાવ્યું કે આ તમામ શક્તિશાળી બોટ 400 મીટર લાંબા જહાજને હટાવશે. બીજી તરફ જહાજની નીચેથી માટી નીકળવામાં આવી રહી હતી. કેનાલ મેનેજમેન્ટના એક વરિષ્ઠ પાયલટે જણાવ્યું કે કર્મીઓએ રવિવારે ઊંચી લહેરો દરમિયાન આ જહાજને હટાવવાની યોજના બનાવી છે. તેઓએ કહ્યું કે, રવિવાર અગત્યનો છે. તે આગામી પગલા નક્કી કરશે જેમાં જહાજને આંશિક રીતે સામાન ઉતારવાની પણ શક્યતા છે.
આ દરમિયાન, સુએઝ કેનાલ મેનેજમેન્ટના પ્રમુખ જનરલ ઓસામા રોબેઈએ શનિવારે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે પરંતુ તેઓએ માનવીય કે ટેકનીકલ ખામીની આશંકાથી ઈન્કાર નહોતો કર્યો.
(સંકેત)