કોવિડના ઓમિક્રોન વેરિએન્ટને લઇને સારા સમાચાર, કોરોનાની રફ્તારને લાગી બ્રેક, WHOએ ડેટા શેર કર્યો
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડની ત્રીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. તેનું પ્રસરણ સતત વધી રહ્યું છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે. ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું ખતરનાક છે પરંતુ તે વધુ ચેપી છે. જો કે ઓમિક્રોનના ભય વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે. WHO અનુસાર આફ્રિકામાં ચોથી લહેર ઘટી રહી છે.
રાહતની વાત એ છે કે, છ સપ્તાહ બાદ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટથી જે ચોથી લહેર છે તે હવે ઓછી થવા લાગી છે. 11 જાન્યુઆરી સુધીમાં આફ્રિકામાં 10.2 મિલિયન કોવિડ-19 કેસ સામે આવ્યા હતા. જ્યાં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યામા ઉછાળો આવ્યો હતો તે દક્ષિણ આફ્રિકામાં પણ એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા 14 ટકા ઘટી છે.
દક્ષિણ આફ્રિકા ઉપરાંત પૂર્વ અને મધ્ય આફ્રિકન વિસ્તારોમાં પણ કેસો ઘટ્યા છે. જો કે ઉત્તર તેમજ પશ્વિમ આફ્રિકાના પ્રદેશોમાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તર આફ્રિકામાં ગત સપ્તાહમાં 121 ટકાનો વધારો નોંધાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ત્યાં રસીકરણ પર ભાર મૂક્યો છે.
આફ્રિકામાં ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક ડો. માત્શિદિસો મોએતીએ જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો સૂચવે છે કે દેશમાં ચોથી લહેર ઝડપી અને ટૂંકી રહી છે, પરંતુ તેમાં અસ્થિરતાનો અભાવ નથી. આફ્રિકામાં મહામારીને પહોંચી વળવા માટે જે મહત્વના પગલાંની સખત જરૂર છે તે હજુ પણ અમલમાં છે. અહીંયા મહત્તમ લોકોનું રસીકરણ થાય તે આવશ્યક છે.