રાઇપુર:આજનો દિવસ માત્ર છત્તીસગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ખૂબ જ ખાસ છે. આજે, છત્તીસગઢના રાયપુરમાં 19 સપ્ટેમ્બર 2022થી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડમાસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં ભારત અને રશિયા સહિત 15 દેશોના 500 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
આયોજકોએ શનિવારે જણાવ્યું હતું કે,આ ટુર્નામેન્ટ છત્તીસગઢ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને છત્તીસગઢ ઓલિમ્પિક એસોસિએશનના સંયુક્ત નેજા હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં જીતનાર ખેલાડીઓને ટ્રોફી અને રોકડ રકમથી પુરસ્કૃત કરવામાં આવશે.
તેણે કહ્યું કે,અમારા માટે આ એક ખાસ પ્રસંગ છે કે,અહીં પહેલીવાર આ સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજકોએ વધુમાં જણાવ્યું કે 19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 15 દેશોના 500 થી વધુ ખેલાડીઓ 100 થી વધુ અનુભવી માસ્ટરના માર્ગદર્શન હેઠળ તેમની ચેલેન્જ રજૂ કરશે.અત્યાર સુધીમાં, રશિયા, યુક્રેન, જ્યોર્જિયા, યુએસએ, કઝાકિસ્તાન, મંગોલિયા, પોલેન્ડ, વિયેતનામ, કોલંબિયા, ઈરાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેપાળ સહિત 15 દેશોના ખેલાડીઓએ અહીં નોંધણી કરાવી છે.
તેમણે કહ્યું કે,આ ટૂર્નામેન્ટ ખેલાડીઓને તેમના રેટિંગમાં સુધારો કરવા, GM અને IM ધોરણો હાંસલ કરવાની તક પણ પૂરી પાડશે.આ ટુર્નામેન્ટ માસ્ટર્સ અને ચેલેન્જર્સ એમ બે કેટેગરીમાં રમાશે. જેમાં માસ્ટર્સ કેટેગરીમાં 23 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે જ્યારે ચેલેન્જર્સ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને 12 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે.આયોજક સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે,આ ટૂર્નામેન્ટમાં છ ગ્રાન્ડમાસ્ટર, 17 ઈન્ટરનેશનલ માસ્ટર્સ, બે મહિલા ગ્રાન્ડમાસ્ટર, આઠ મહિલા ઈન્ટરનેશનલ માસ્ટર્સ, પાંચ FIDE માસ્ટર્સ અને 200 ILO રેટેડ ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે, જે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે.