‘ઘરનું સંભાળો’ કહીને ભારતના વિદેશમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી, જાણો શું છે સમગ્ર મામલો
- તુર્કીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતનો સણસણતો જવાબ
- ભારતના વિદેશમંત્રીએ સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને બોલતી બંધ કરી દીધી
- જાણો શું છે સમગ્ર મામલો
નવી દિલ્હી: તુર્કીને ભારતે સણસણતો જવાબ આપી દીધો છે. હકીકતમાં યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગોને તેમના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સણસણતો શાબ્દિક પ્રહાર કરીને સામે સાઇપ્રસનો મુદ્દો ઉઠાવીને એર્દોગોનની બોલતી બંધ કરી દીધી હતી.
હકીકતમાં, તુર્કીએ સાયપ્રસના એક મોટા હિસ્સા પર ઘણા સમયથી કબ્જો જમાવી રાખ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે પરંતુ તુર્કી માનવા તૈયાર નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર એસ.જયશંકરે સાયપ્રસના તેમના સમકક્ષ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ દરમિયાન સાયપ્રસના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવાની જરૂર પર ભાર મૂક્યો. જયશંકરે એવું કહ્યું કે, અમે આર્થિક સંબંધોને આગળ ધપાવવા પર કામ કરી રહ્યાં છે.
મંગળવારે સામાન્ય ચર્ચા દરમિયાન એર્દોગોને કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, અમારું માનવું છે કે કાશ્મીરની 74 વર્ષથી ચાલી રહેલી સમસ્યાને બંને પક્ષોના સંવાદ અને સંયુક્ત રાષ્ટ્રના પ્રાસંગિક પ્રસ્તાવો દ્વારા ઉકેલ લાવવો જોઇએ. ભૂતકાળમાં પણ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો જેની પર ભારતે વાંધો ઉઠાવ્યો હતો.