UNHRC બેઠકમાં આતંકવાદથી લઇને ધર્મપરિવર્તન સહિતના મુદ્દે ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ
- આતંકવાદથી લઇને ધર્મપરિવર્તન સુધી ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ
- પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ જવાબદાર ઠેરવવામાં આવે
- પાકિસ્તાનમાં જબરદસ્તીથી થતું ધર્મ પરિવર્તન હવે સામાન્ય બની ગયું છે
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારતે આતંકવાદ સહિત અનેક મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું. આતંકીઓને કરાતી આર્થિક સહાય પર પાકિસ્તાન પર પ્રહાર કરતા ભારતે કહ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવા અને છાવરવા બદલ જવાબદાર ઠેરવવામાં આવે.
બેઠકમાં પાકિસ્તાનના નિવેદન બાદ જવાબ આપતા ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવનકુમાર બાધેએ કહ્યું કે, આ દુખની વાત છે કે પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્વ નિરાધાર તેમજ બેજવાબદાર આરોપ લગાવવા માટે આ મંચનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન આવું કરીને દેશમાં માનવાધિકારની દયનિય સ્થિતિથી પરિષદનું ધ્યાન ભટકાવવા માંગે છે.
પવનકુમાર બાધેએ પાકિસ્તાન સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશા તેઓની સતત ઘટતી વસ્તીથી સમજી શકાય છે. ત્યાં જબરદસ્તીપૂર્વક ધર્મ પરિવર્તન સામાન્ય ઘટના બની ગઇ છે. આપણે ધાર્મિક લઘુમતી સમુદાયની સગીરાઓના અપહરણ, દુષ્કર્મ, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને લગ્નના અનેક અહેવાલો જોયા છે.
ઇશનિંદા કાયદા, જબરદસ્તીપૂર્વક ધર્મ પરિવર્તન, હિન્દુઓ સહિત લઘુમતીઓનું ઉત્પીડન અને ન્યાયિક હત્યા પાકિસ્તાનમાં હવે સામાન્ય થઇ ગયું છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓના પવિત્ર અને પ્રાચિન સ્થળો પર હુમલો થાય છે અને તોડફોડ કરાય છે. પાકિસ્તાન આ ઘટનાઓને છૂપાવવા માટે ભારત વિરુદ્ધ નિરાધાર અને બેજવાબદાર આરોપો લગાવે છે તેવું તેમણે કહ્યું હતું.