અફઘાનિસ્તાનમાં હિલચાલ વધી, NSA અજીત ડોવાલના માર્ગદર્શન હેઠળ ભારત તાલિબાની સાથે કરી રહ્યું છે વાતચીત
- અફઘાનિસ્તાનમાં થઇ રહેલા ફેરફાર પર ભારતની નજર
- NSA અજીત ડોવાલના માર્ગદર્શન હેઠળ ભારત તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું છે
- અફઘાનિસ્તાનને સહયોગ આપવા માટે ભારત છે તૈયાર
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી થોડાક સમય બાદ અમેરિકન સૈન્ય પાછું ફરશે. અફઘાનિસ્તાનમાં હાલમાં સ્થિતિ ઝડપી ગતિએ બદલાઇ રહી છે અને ભારત તેના પર નજર રાખી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી છે. કતારના વિશેષ દૂત અનુસાર ભારતીય અધિકારીઓએ તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત કરીને દોહાનો પ્રવાસ કર્યો છે. કતારના આતંક નિરોધી અને મધ્યસ્થતાની ભૂમિકા ભજવનાર વિશેષ દૂત મુતલાક બિન મજીદ અલ કહતાનીએ કહ્યું કે, ભારતીય અધિકારીઓએ દોહામાં તાલિબાની પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.
તેઓએ વધુમાં કહ્યું કે, ભારત તરફથી તાલિબાનીની સાથે વાતચીત એટલા માટે નથી કરવામાં આવી રહી કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન આવી જશે. આ એટલું જરૂર છે કે ભવિષ્યમાં તાલિબાનની અફઘાનમાં મહત્વની ભૂમિકા રહેશે. એ જ કારણ છે કે દરેક પક્ષ વાતચીત માટે તૈયાર જણાઇ રહ્યો છે. ભારતીય અધિકારીઓની તાલિબાની પ્રતિનિધિઓ સાથેની વાતચીત ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. મારી તમામ પક્ષોને અપીલ છે કે સમગ્ર મામલાનું કોઇ નિરાકરણ આવે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના દિશા નિર્દેશમાં બંને પક્ષો વચ્ચે વાતચીત આગળ વધી છે. જો કે સરકારે આ અંગે કોઇ પુષ્ટિ નથી કરી. તાલિબાન તરફથી પણ વાતચીત અંગે કઇ કહેવામાં આવ્યું નથી. ભારત તરફથી અફઘાનિસ્તાનની સરકાર સાથેની વાતચીત પ્રાથમિકતા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અફઘાનિસ્તાનને લઇને ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. અફઘાનિસ્તાનના વિકાસમાં ભારત તરફથી વધારે સહયોગ જારી રહેશે.
નોંધનીય છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે કતારના વિદેશ તથા રક્ષા મંત્રીઓ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી અને વૈશ્વિક ક્ષેત્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આ એક મહિનાની અંદર વિદેશ મંત્રીના ખાડી દેશોનો બીજી વાર પ્રવાસ છે.