Site icon Revoi.in

એલર્ટ: કાબૂલ એરપોર્ટ પર હુમલો કરવાની ફિરાકમાં ISIS, USની ગુપ્તચર એજન્સીઓના એલર્ટથી તાલિબાન પણ ફફડ્યું

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન કટોકટી વચ્ચે હવે કાબૂલ એરપોર્ટ પર ISIS હુમલો કરવાની ફિરાકમાં હોવાનું એલર્ટ અમેરિકી ગુપ્તચર એજન્સીએ આપ્યું છે. આ એલર્ટ બાદ એરપોર્ટની સુરક્ષા અને સલામતી માટે અમેરિકી સૈનિકોને એલર્ટ કરાયા છે. ગુપ્તચર એજન્સીએ એલર્ટ જાહેર કર્યું છે કે, ISISનું ખુરસાન મોડ્યૂલ કાબૂલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બહાર લોકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના આ એલર્ટની તાલિબાન પણ ફફડી ઉઠ્યું છે.

અગાઉ વ્હાઇટ હાઉસે ચેતવણી આપી જ હતી કે, નાગરિકોને બહાર કાઢવામાં અમેરિકા જેટલું વિલંબ કરશે તેટલી જ કાબૂલ એરપોર્ટ પર હુમલો થવાની શક્યતા પ્રબળ થશે. આવી સ્થિતિમાં અમેરિકાએ 31 ઑગસ્ટ સુધી પોતાના તમામ સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત બોલાવવાનું એલાન કર્યું છે. અમેરિકાના અનેક સહયોગી દેશો આ નિર્ણયનો વિરોધ કરી ચૂક્યા છે.

આ ઇનપુટ બાદ એરપોર્ટની સુરક્ષાને લઇને અમેરિકાની ચિંતા વધી છે. કાબૂલ પર કબજા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અફઘાનિસ્તાન છોડવા માટે ભીડ કરીને બહાર બેઠા છે. આવી સ્થિતિમાં એરપોર્ટની સુરક્ષા કરવાનો પડકાર મોટો થયો છે.

કાબૂલ એરપોર્ટ પર પહેલાથી અફરાતફરીનો માહોલ છે ત્યારે ISISનું ખુરસાન મોડ્યૂલના આતંકી ફરીથી ત્યાં અજંપો અને અરાજકતા ફેલાવવાની ફિરાકમાં છે. તે આતંકી હુમલાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યું છે. થોડાક દિવસ પહેલા ISISના ચાર લડાકૂઓ પણ એરપોર્ટની બહારથી પકડાયા હતા.

તાલિબાનીઓએ લોકોને કહ્યું છે કે, તેઓ મોટી સંખ્યામાં એરપોર્ટ તરફ ન આવે. તાલિબાને એરપોર્ટના રસ્તાને અફઘાન નાગરિકો માટે બંધ કરી દીધો હતો. જે બાદ હવે માત્ર વિદેશી નાગરિકો જ કાબુલ એરપોર્ટ તરફ જઈ રહ્યાં છે.