- અમેરિકાએ ફરી એકવાર ઇઝરાયલને આપ્યો સાથ
- સંયુક્ત રાષ્ટ્ર પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ સંદર્ભે સંયુક્ત નિવેદન આપતા અટકાવ્યું
- અમેરિકાના આ પ્રકારના વલણથી ચીને પણ અમેરિકાની કરી ટીકા
નવી દિલ્હી: હાલમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકાએ ત્રીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ મુદ્દે સંયુક્ત નિવેદન આપતા અટકાવી છે. ઇઝરાયલના મીડિયાએ આ મુદ્દે સંકળાયેલા રાજદ્વારીઓના હવાલાથી આ રિપોર્ટ આપ્યો છે.
હકીકતમાં, રવિવારે સંયુક્ત રાષ્ટ્રની મળેલી બેઠક બાદ નોર્વે, ટ્યૂનીશિયા અને ચીને નિવેદન આપ્યું હતું જેમાં બંને પક્ષ પાસેથી સીઝફાયરની માંગ કરવામાં આવી હતી પરંતુ અમેરિકાએ તે જાહેર થતા અટકાવ્યું હતું. જો કે, અમેરિકી દુતાવાસે આ બાબતે મૌન સાધ્યું છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થૉમસે દલીલ કરી હતી કે, અમેરિકા રાજનીતિક ચેનલ્સ દ્વારા આ સંઘર્ષનો અંત લાવવા માટે પ્રયાસરત છે. અમેરિકી પ્રતિનિધિ હૈદી આમર શુક્રવારે તેલ અવીવ પહોંચ્યા હતા અને સીઝફાયર માટે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
અમેરિકા જે રીતે ઇઝરાયલને સમર્થન આપી રહ્યું છે તેને જોઇને ચીન પણ અમેરિકા પર નિશાન સાધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ UNSCને બીજી વખત સંયુક્ત નિવેદન જાહેર કરતા અટકાવવાને લઇને અમેરિકાની ટીકા કરી હતી.
પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ માલિકીએ પણ ઈઝરાયલનો બચાવ કરનારા દેશોની ટીકા કરી હતી. તેમના કહેવા પ્રમાણે ઈઝરાયલને હંમેશા પેલેસ્ટાઈનીઓ પર અત્યાચાર કરીને બચી જવાની તક આપવામાં આવે છે. આ કારણે જ ઈઝરાયલ પેલેસ્ટાઈનીઓને ઉંઘમાં જ મોતને ઘાટ ઉતારી રહ્યું છે.