- અજબ પ્રેમ કી ગજબ કહાની
- આમ આદમી સાથે લગ્ન માટે જાપાનની રાજકુમારીએ શાહી પરિવાર છોડ્યો
- હવે ન્યૂયોર્કમાં 1 BHK ફ્લેટમાં રહેશે
નવી દિલ્હી: કહેવાય છે કે પ્રેમના કોઇ સીમાડા નથી હોતા અને પ્રેમમાં પાગલ વ્યક્તિ પ્રેમને પામવા માટે કંઇપણ કરી છૂટવા પણ તત્પર અને તૈયાર રહે છે. આવો જ એક રસપ્રદ કિસ્સો જાપાનનો સામે આવ્યો છે જ્યાં એખ રાજવી પરિવારની રાજકુમારીએ રાજવી પરિવારને છોડીને એક સામાન્ય જીવન જીવતા પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઇ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકુમારી માકોએ પોતાના પ્રેમને પામવા માટે હવે પોતાનો શાહી મહેલ પણ છોડી દીધો છે અને હવે તે પોતાના પતિ કે ઇ કોમુરો સાથે અમેરિકાના ન્યૂયોર્કમાં એક બેડરૂમના ફ્લેટમાં રહેવા જવાની છે. કપલ હાલમાં તો ટોક્યોમાં જ રહે છે અને ટૂંક સમયમાં અમેરિકા શિફ્ટ થશે.
ન્યૂયોર્કમાં પણ ખાસ કરીને મેનહટન જેવા વિસ્તારોમાં એક બેડરૂમના ફ્લેટનુ ભાડુ પણ લાખો રૂપિયામાં થવા જાય છે. 30 વર્ષીય માકો જાપાનના ક્રાઉન પ્રિન્સ ફુમિહિતોની સૌથી મોટી પુત્રી છે. તેમણે આઠ વર્ષના રિલેશન બાદ 26 ઓક્ટોબરે પોતાના બોયફ્રેન્ડ કોમુરો સાથે લગ્ન કરી લીધા હતા.
જાપાનમાં એવી પરંપરા છે કે, જો કોઇ મહિલા કોઇ કારણોસર રાજવી પરિવારને ત્યજીને કોઇ બીજા સાથે લગ્ન કરે છે તો તેને રાજવી પરિવારનો હોદ્દો અને બીજા માન સન્માન છોડી દેવા પડે છે.
શાહી પરિવાર છોડવા પર માકોને 9 કરોડ રૂપિયા મળે તેમ હતા પણ રાજકુમારીએ આ રકમ લેવાની પણ ના પાડી દીધી છે. રાજકુમારી અમેરિકા ગયા બાદ ત્યાં નોકરી કરશે તેવુ મનાઈ રહ્યુ છે.
જાપાનમાં જો કે આ લગ્નનો વિરોધ થતા અંતે એક બંધ રૂમમાં લગ્ન સમારોહ યોજવાની ફરજ પડી હતી. જેમાં શાહી પરિવારના બીજા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.