- જ્હોન્સન એન્ડ જોહ્ન્સને અચાનક લીધો નિર્ણય
- તેની કોરોનાની ભારતમાં મંજૂરી માટેની અરજી પાછી ખેંચી
- કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ નથી જાહેર કર્યું
નવી દિલ્હી: અમેરિકન કંપની જોહન્સન એન્ડ જોહ્ન્સને તેની કોરોના વિરોધી વેક્સિન માટે ભારતમાં જલ્દી મંજૂરી માટેની અરજી હવે પાછી ખેંચી લીધી છે. કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ જાહેર કર્યું નથી. ભારતીય દવા નિયમનકાર DCGIએ સોમવારે આ અંગની માહિતી આપી હતી. આપને જણાવી દઇએ કે જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને આ વર્ષે એપ્રિલમાં ભારતમાં તેની વેક્સિનના ટ્રાયલ માટે અરજી કરી હતી.
જો કે આ અંગે કંપની તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ભારત હાલમાં નુકસાન સામે રક્ષણના મુદ્દાઓ પર વેક્સિન ઉત્પાદકો સાથે કાયદાકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. ભૂતકાળમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે, વેક્સિન ઉત્પાદકો સાથે વાતચીત માટે એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ મુદ્દાઓ ખાસ કરીને ફાઇઝર, મોર્ડના તેમજ જહોન્સન એન્ડ જ્હોન્સન સાથે છે.
મહત્વનું છે કે, ભારતમાં અત્યારસુધીમાં 4 એન્ટિ કોરોના વાયરસ વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે. તેમાં ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિન કોવેક્સિન, ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ, રશિયાની સ્પુતનિક વી અને મોર્ડનાની વેક્સિન સમાવિષ્ટ છે.