- સમગ્ર કાબૂલ એરપોર્ટને ઉડાવવાનો હતો પ્લાન
- પોતાના ઉપર 11 કિલો વિસ્ફોટક બાંધીને ઘૂસ્યો હતો આતંકી
- આ હુમલામાં 169 અફઘાન નાગરિકોના મોત થયા હતા
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં 2 દિવસ પહેલા થયેલા ઘાતક આત્મઘાતી વિસ્ફોટને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. હામિદ કરઝઇ એરપોર્ટની બહાર હુમલો કરનારા આત્મઘાતી હુમલાખોરે પોતાની સાથે 11 કિલો વિસ્ફોટક સાથે લીધા હતા. અમેરિકાના એક અધિકારીએ આ જાણકારી આપી છે. આ હુમલામાં 169 અફઘાન નાગરિકોના મોત થયા છે. મૃતકોમાં 13 અમેરિકી સૈનિકો પણ સામેલ છે.
નામ ના આપવાની શરતે આ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારી માત્રામાં વિસ્ફોટક હોવાને કારણે આટલો મોટો વિસ્ફોટ થયો છે. આ જ કારણ હતું જેને કારણે એરપોર્ટ ગેટની અંદર હાજર સૈનિકોની સાથે બહાર તૈનાત સૈનિકો તેમજ અફઘાનીઓના મોત થયા હતા.
હુમલાખોર કાબૂલ એરપોર્ટના ગેટની ઘણી અંદર ઘૂસી ગયો હતો જ્યાંથી અફઘાનિસ્તાનની બહાર નીકળવા માંગતા અફઘાની નાગરિકોની ભીડ જમા હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે જણાવ્યું કે, કાબૂલમાં બીજો આતંકી હુમલો થવાની આશંકા છે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ એરપોર્ટ પર સૌથી વધુ સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ 48 કલાકની અંદર અમેરીકાએ ઇસ્લામિક સ્ટેટ સમૂહ (ISIS-K) વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઇક કરી છે. અમેરીકી રક્ષા મુખ્યાલય પેન્ટાગને દાવો કર્યો છે કે કાબુલ હુમલાના અંજામ આપનારના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.