અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઉતરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે. આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે આખા દેશને એક તાંતણે જોડે છે. ગુજરાતે આ પર્વને ટૂરીઝમ સાથે જોડીને તેનું મહત્વ અનેકગણું વધારી દીધું છે. રાજ્ય સરકાર સરહદી ગામ ધોરડોના સફેદરણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરીને ટૂરીઝમના વિકાસ સાથે ગ્રામલોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે. કચ્છના પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન, પોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, ફ્રેન્ચ પોલેનીશીયા, પોર્ટુગલ, રોમાનિયા, ટ્યૂનિશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, યુક્રેન, વિયેતનામ તેમજ રાજસ્થાન, અમદાવાદ તેમજ કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી.