અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ લાશે ભાગ
અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી 7 થી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 7 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે કરવામાં આવશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 આગામી 7 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણાના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ 7 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.