Site icon Revoi.in

જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી( જીટીયુ ) ટેક્નિકલ શિક્ષણની  સાથે- સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, તે માટે સતત કાર્યરત હોય છે. તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને રાજ્ય યોગ બોર્ડ વચ્ચે યોગના પ્રચાર અને પ્રસાર અર્થે એમઓયુ કરવામાં આવ્યા હતાં. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, યોગ એ ભારત તરફથી વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવશે. આ એમઓયુ પર   જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને ગુજરાત  રાજ્ય યોગ બોર્ડના પ્રમુખ યોગસેવક  શીશપાલ રાજપૂત દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. યોગ બોર્ડના સભ્ય  ભાનુભાઈ ચૌહાણ , જીટીયુના  કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને  જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

ભારતીય સંસ્કૃત્તિમાં યોગનું મહત્વ વિશેષ પ્રમાણમાં રહેલું છે. જેનાથી દરેક વ્યક્તિ શારીરિક તેમજ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકે છે. કોરોના જેવી મહામારીના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે. યોગ સંબધીત વિવિધ તાલીમ વર્ગોનું આયોજન , શોર્ટ ટર્મ સર્ટીફિકેટ્સ કોર્સ અને યોગ સ્પર્ધાનું આયોજન વગેરે જેવા મુદ્દાઓને આ એમઓયુમાં સાંકળી લેવામાં આવ્યા છે. જે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને સ્વસ્થ્ય ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે.