નવી દિલ્હી: આગામી 18-19 નવેમ્બર ખાસ દિવસ છે. કારણ કે આ દિવસે સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. અમેરિકાના 50 રાજ્યોમાં આ જોવા મળશે. અહીંયા રસપ્રદ વાત એ છે કે 580 વર્ષ પછી આટલું લાંબુ ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. આ જ કારણોસર વિશ્વભરના વૈજ્ઞાનિકો આ દ્રશ્યને તેમના કેમેરામાં રેકોર્ડ કરવા માટે તૈયાર છે. આપને જણાવી દઇએ કે આ આંશિક ચંદ્રગ્રહણ 3 કલાક 28 મિનિટ અને 23 સેકન્ડ લાંબુ રહેશે.
જો કે અમેરિકામાં એ સમયે ચંદ્રગ્રહણ થશે જ્યારે ભારતના લોકો દિવસ દરમિયાન પોતાનું કામ કરતા હશે. આ ચંદ્રગ્રહણને માઇક્રો બીવર મૂન કહેવામાં આવે છે. કારણ કે તે પૃથ્વીથી મહત્તમ અંતરે રહે છે. તે જ સમયે, અમેરિકામાં બીવર પકડાય છે, તેથી જ તેનું નામ કંઇક આ રીતે રખાયું છે.
ઇન્ડિયાના બટલર યુનિવર્સિટી સ્થિત હોલકોમ્બ ઓબ્ઝર્વેટરી અનુસાર, આંશિક ચંદ્રગ્રહણ (Partial Lunar Eclipse) નો અર્થ એ છે કે જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રના માત્ર 97 ટકા ભાગને આવરી લે છે. આ સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે. અગાઉ વર્ષ 2018માં એક કલાક અને 43 મિનિટનું ચંદ્રગ્રહણ થયું હતું. જ્યારે આ વખતે ચંદ્રગ્રહણ 3 કલાક 28 મિનિટ અને 23 સેકન્ડનું હશે. આવી ઘટના 580 વર્ષ પછી જોવા મળી રહી છે.
આ ચંદ્રગ્રહણને ઉત્તર અમેરિકા, ટાપુઓ અને પેસિફિક મહાસાગરના દેશો, અલાસ્કા, પશ્ચિમ યુરોપ, પૂર્વીય ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાનના લોકો જોઈ શકશે. આ ચંદ્રગ્રહણનો પ્રારંભિક ભાગ એટલે કે ચંદ્ર ઉગવાના સમયે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ થોડી નજારો જોવા મળશે. જ્યારે, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ યુરોપના લોકો ચંદ્રગ્રહણના ઉચ્ચતમ સ્તરને જોઈ શકશે.
નોંધનીય છે કે, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પૃથ્વીના પડછાયાને કારણે ચંદ્રનો પ્રકાશ જમીન પર દેખાતો નથી. પૃથ્વીનો પડછાયો આખા ચંદ્રને ઢાંકી શકે છે. અથવા આંશિક રીતે આવરી લે છે. જેના કારણે ચંદ્ર ક્યારેક લાલ રંગનો દેખાય છે. એનું કારણ એ છે કે સૂર્યપ્રકાશ પૃથ્વીના પડછાયાના ઊંડા ભાગ પર સીધો અથડાતો નથી. તે આપણા વાતાવરણમાંથી પસાર થાય છે.