- લંડનના ઇસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સીએ ગાંધીજીના ચશ્માની કરી હરાજી
- અમેરિકાના એક કલેક્ટરે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા ખરીદ્યા
- સોનાના વરખ ધરાવતા આ ચશ્મા ગાંધીજીએ કોઇને ભેટમાં આપ્યા હતા
લંડન: ગાંધીજીના સોનાના વરખવાળા ચશ્માની હરાજી ઇસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સી દ્વારા કરવામાં આવી છે. અમેરિકાના એક કલેક્ટરે 2.6 લાખ પાઉન્ડ એટલે કે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા ખરીદી લીધા છે. ઑક્શન એજન્સી દ્વારા આ ચશ્માની ઑનલાઇન હરાજી કરવામાં આવી હતી. ગાંધીજીએ આ ચશ્મા પહેર્યા હોવાનું માનવામાં આવે છે. દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1910 થી 1920માં ગાંધીજીએ આ ચશ્મા એક વ્યક્તિને ભેટમાં આપી દીધા હતા.
શુક્રવારે એજન્સી દ્વારા ચશ્મા માટે ફોન બીડ લગાવવામાં આવી હતી. આ બીડ 6 મિનિટ સુધી ચાલી હતી. હરાજી કરાવનાર એન્ડ્રૂ સ્ટ્રૉએ જણાવ્યું હતું કે, અમને આશા હતી કે આ ચશ્માની કિંમત 1.5 લાખ પાઉન્ડ કિંમત આવી શકે છે. અમારા માટે આ રેકોર્ડ છે. આ ચશ્મા અંદાજે 50 વર્ષ સુધી ટેબલના એક ખાનામાં પડી રહ્યા હતા. ચશ્માની મોટી કિંમત મળતા ચશ્માના માલિક અવાક થઇ ગયા હતા.
આ ચશ્મા એક ડાકપેટીમાં કવરમાં મૂકવામાં આવ્યા હતા. આ ચશ્મા આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે જો આ કિંમતી ના હોય તો તેને નષ્ટ કરી દેજો. એજન્સી અનુસાર તેઓએ જ્યારે માલિકને ચશ્માની કિંમત વિશે જણાવ્યું તો તેઓ અવાક થઇ ગયા હતા. હરાજીમાંથી મળેલી રકમ આ વ્યક્તિ તેની દીકરીને આપશે.
નોંધનીય છે કે, ઇંગ્લેન્ડના એક વયોવૃદ્વ વ્યક્તિના પરિવાર પાસે આ ચશ્મા હતા. ચશ્મા વેચનાર વ્યક્તિને તના પિતાએ જણાવ્યું હતું કે આ ચશ્મા તેના કાકાને મહાત્મા ગાંધીએ ભેટ સ્વરૂપે આપ્યા હતા. ત્યારે તેઓ વર્ષ 1910થી 1930 વચ્ચે દક્ષિણ આફ્રિકા ખાતે બ્રિટન પેટ્રોલિયમમાં કામ કરી રહ્યા હતા. બ્રિટનની પેઢી તરફથી કરવામાં આવેલી હરાજીમાં ભારતના વ્યક્તિઓએ પણ ભાગ લીધો હતો.
(સંકેત)