ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલર ઘટી
- ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થતા માર્ક ઝુકરબર્ગને ફટકો
- માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઘટી
- ફેસબૂકના શેર્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે
નવી દિલ્હી: સોમવારે રાત્રે સમગ્ર વિશ્વમાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. સેવાઓ ખોરવાઇ જતા ફેસબૂકના શેર્સમાં પણ કડાકો બોલ્યો હતો અને કંપનીના CEO માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં $6.11 અબજ એટલે કે 45.555 કરોડ રૂપિયા જેટલી ઘટી ગઇ હતી.
ફેસબૂકના શેર્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે. આ રીતે, સપ્ટેમ્બરના મધ્યથી કંપનીના શેર લગભગ 15 ટકા ઘટ્યો છે. ફેસબૂકના શેર્સમાં કડાકાને કારણે ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલરથી ઘટીને 122 અબજ ડોલર થઇ ગઇ છે. થોડા દિવસો પહેલા તેઓ 140 અબજ ડૉલરની સંપત્તિ સાથે ધનિકોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ હવે બિલ ગેટ્સની પાછળ છે પાંચમાં નંબરે આવી ગયા છે.
સોમવારે ફેસબુક અને તેની સહયોગી કંપનીઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા કેટલાક કલાકો સુધી બંધ રહી હતી. ત્રણેય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે બંધ થઈ ગઈ. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામએ મંગળવારે સવારે 4 વાગ્યે ફરી કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તેમ છતાં તેની ઝડપ ખૂબ જ ધીમી છે. સેવા પુનઃસ્થાપિત થયા બાદ ફેસબુકે ટ્વિટર પર કહ્યું, ‘વિશ્વભરના લોકો અને વ્યવસાયો કે જેઓ અમારા પર નિર્ભર છે તેના માટે અમે દિલગીર છીએ. અમે અમારી એપ્લિકેશન્સ અને સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને જાણ કરતાં આનંદ થાય છે કે સેવાઓ ફરીથી ઓનલાઈન થઈ ગઈ છે. અમારી સાથે રહેવા બદલ આભાર.’
દરમિયાન, ઝુકરબર્ગે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ ખોરવાઈ જવાના કારણે લાખો યુઝર્સને પડતી અસુવિધા બદલ માફી માંગી છે. તેમણે ફેસબુક પોસ્ટમાં કહ્યું, ‘ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. હું આજે આ સેવાઓમાં જે બાધા આવી તેના માટે માફી માંગુ છું.