નવી દિલ્હી: ભારતમાં ખેડૂતોને ઘઉં પર અપાતી સબસિડી સામે અમેરિકન સાંસદોને વાંધો પડી ગયો છે.
ભારત સરકાર ખેડૂતોને ઘઉં પર જે સબસિડી આપે છે તે અમેરિકાના સાંસદોને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે.
આ બાદ સાંસદોએ બાઇડન સરકારને કહ્યું છે કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં ભારતની ફરિયાદ કરવામાં આવે. ભારત દ્વારા ખેડૂતોના ઘઉંના ઉત્પાદન માટેના મૂલ્યની 50 ટકા કરતા વધારે સબસિડી આપવામાં આવે છે.
અમેરિકન કોંગ્રેસના આ માટે વિરોધ કરતા બાઇડન સરકારને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે, ભારત સરકાર પોતાના ખેડૂતોને વધારે સબસિડી આપે છે અને તેનું નુકસાન અમેરિકાના ઉત્પાદકોને થઇ રહ્યું છે. ભારતની નીતિની અસર આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ પર પડી રહી છે. WTOના નિયમ અનુસાર ઘઉંના ઉત્પાદન મૂલ્યના 10 ટકા કરતાં વધારે સબસિડી આપી શકાય નહીં.
બીજી તરફ સાંસદોએ અમેરિકન પ્રમુખ બાઈડનને અનુરોધ કર્યો છે કે, અમે ઈચ્છીએ છે કે, તમે ભારત પર WTOમાં કેસ કરો. WTO દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની ભારત સરકાર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ભારતને રોકવા માટે વહેલી તકે કાર્યવાહી કરવાની જરુર છે.
મહત્વનું છે કે, અમેરિકા પહેલા પણ ભારત દ્વારા અપાતી સબસિડી સામે વિરોધ થઈ ચુકયો છે. અમેરિકામાં ઘઉંનુ ઉત્પાદન કરનારાઓના નેશનલ એસોસિસેએશનના સીઈઓનુ કહેવુ છે કે, ભારત WTOનુ સભ્ય છે એટલે તેણે તેના નિયમોનુ પણ પાલન કરવુ જ જોઈએ.