Site icon Revoi.in

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇમાં 86 સેમીનો વધારો થયો, નવી ઊંચાઇ 8848.86 મીટર

Social Share

નેપાળ: વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇમાં 86 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ચીન અને નેપાળના સંશોધકોએ સંયુક્તપણે આ નવી ઊંચાઇ માપી 8848.86 મીટર (29,032 ફીટ) નો નવો આંકડો જાહેર કર્યો હતો. નેપાળ અને ચીનની સરહદ પર આ શિખર આવેલું છે, માટે બંન્ને દેશોએ કવાયત કરી હતી. અગાઉ ભારતે માપેલી એવરેસ્ટની ઊંચાઇ જગમાન્ય ગણાતી હતી. સર્વે ઑફ ઇન્ડિયાએ છેલ્લે 1954માં એવરેસ્ટની ઊંચાઇ માપી હતી, જે 8848 ફીટ (29029 ફીટ) નોંધાઇ હતી. આધુનિક સાધનોના ઉપયોગ તેમજ એવરેસ્ટના કદમાં કુદરતી રીતે વધારો થતા નવી ઊંચાઇમાં ફેરફાર જોવા મળ્યો છે.

આપને જણાવી દઇએ કે સમગ્ર ભારત જે ભૂસ્તરીય પ્લેટ પર છે, એ પ્લેટ ઉત્તર તરફ સરકી રહી છે અને તેના દબાણને કારણે એવરેસ્ટ દર વર્ષે અમુક કિલોમીટર જેટલો ઊંચો થાય છે. ચીને પોતાની રીતે ઊંચાઇ માપીને વારંવાર આંકડા જાહેર કર્યા હતા અને નેપાળને આ આંકડા સ્વીકારવા માટે દબાણ કર્યું હતું. નેપાળ એ માટે અસહમત થતા અંતે બંને દેશોએ સાથે મળીને ઊંચાઇ માપવાની કામગીરી કરી હતી.

વર્ષ 2015માં આવેલા ભૂકંપને કારણે પણ એવરેસ્ટની ઊંચાઇમાં થોડો ફેરફાર થયો હતો. ચીને વર્ષ 1975માં અને વર્ષ 2005માં એમ બે વખત પોતાની રીતે ઊંચાઇ માપીને આંકડા જાહેર કર્યા હતા. પરંતુ એ નેપાળ સરકારે માન્ય રાખ્યા ન હતા. એવરેસ્ટનો મોટો હિસ્સો નેપાળમાં હોવાથી નેપાળની સહમતી વગર નવી ઊંચાઇ જાહેર કરવાનો ચીન માટે કોઇ અર્થ ન હતો.

ઊંચાઈ કઈ રીતે મપાઈ?

ઊંચાઇ માપવાની રીત વિશે વાત કરીએ તો દરેક ઊંચાઇ સમુદ્ર સપાટીને તળિયું ગણીને માપવામાં આવે છે. ભારતે બંગાળના અખાતની સપાટીના સંદર્ભમાં ઊંચાઇ માપી હતી અને નેપાળ પણ આ જ સપાટીને સંદર્ભ માની ચાલતું હતું.

જો કે હવે GPS દ્વારા મળતી માહિતી, ટ્રિગોનોમિટ્રિ (ત્રિકોણમિતિ) વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેપાળ અને ચીનના સંશોધકોની ટીમ અલગ અલગ રીતે એવરેસ્ટ પર ગઇ હતી. નેપાળે આસપાસના 12 શિખર સાથે સરખામણી કરી હતી. એમ વિવિધ રીતે અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો.

(સંકેત)