- નાસાએ એલોન મસ્કની કંપની સ્પેસએક્સને આપ્યો કોન્ટ્રાક્ટ
- સ્પેસએક્સને વર્ષ 2024માં ચંદ્ર પર અવકાશયાત્રી લઇ જવા માટે નાસાએ આપ્યો કોન્ટ્રાક્ટ
- આ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ એલોન મસ્કે ખુશી વ્યક્ત કરી હતી
નવી દિલ્હી: અબજોપતિ એલોન મસ્કને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હકીકતમાં, નાસાએ એલોન મસ્કની અંતરિક્ષ કંપની સ્પેસએક્સને વર્ષ 2024માં ચંદ્ર પર અવકાશયાત્રી લઇ જવા માટે એક અવકાશયાન બનાવવા માટેનો એક 2.9 અબજ ડોલરનો કરાર આપ્યો છે. એલોન મસ્ક એ આ કોન્ટ્રાક્ટ મળતા ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
આપને જણાવી દઇએ કે યુ.એસ.ની અંતરિક્ષ સંસ્થા નાસાએ નવા પ્રોગ્રામ અંતર્ગત પ્રથમવાર ખાનગી કંપની સાથે કરાર કર્યો છે. નાસાએ કહ્યું કે, આ અવકાશયાન 2024માં ચંદ્રની સપાટી પર બે અમેરિકન અવકાશયાત્રીઓને લઇ જશે. સ્પેસએક્સની આ નવી સ્ટારશિપમાં અંતરિક્ષયાત્રી માટે કેબિન અને બે વિમાનનો સમાવેશ થશે તેમજ તેને ચંદ્ર, મંગળ તેમજ અવકાશમાં અન્ય સ્થળોની મુસાફરી માટે પણ ઉપયોગ કરી શકાશે.
ગત મહિને, 30 માર્ચના રોજ સ્પેસએક્સનું એક સ્ટારશીપ પ્રોટોટાઇપ રોકેટ સુરક્ષિત રીતે લેન્ડીંગ કરવામાં નિષ્ફળ ગયું હતું. સ્પેસએક્સ દ્વારા ચંદ્ર અને મંગળ પર ભવિષ્યના મિશન અંતર્ગત માણસો અને 100 ટન કાર્ગો વહન કરવા માટે હેવી-લિફ્ટ રોકેટ બનાવવામાં આવ્યું હતું અને ક્રેશ થયેલું સ્ટારશીપ તેમાંથી એક હતું.
(સંકેત)