Site icon Revoi.in

માનવ જાત માટે સિમાચિહ્ન સમી સિદ્વિ, નાસાના રોવરે મંગળ ગ્રહ પર ઑક્સિજન તૈયાર કર્યો

Social Share

નવી દિલ્હી: અમેરિકાની અવકાશી સંસ્થા નાસાનું પર્સિવરન્સ રોવર હાલમાં મંગળ ગ્રહ પર છે. ત્યાં તે સંશોધન કરી રહ્યું છે.

આ રોવરે માનવજાત માટે સિમાચિહ્ન કહી શકાય તેવી સિદ્વિ પ્રાપ્ત કરી છે. છ પૈડાવાળા રોવરે મંગળ ગ્રહના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને તેને ઑક્સિજનમાં ફેરવ્યો છે.

નાસા અનુસાર, આ પ્રથમ ઘટના છે જ્યારે બીજા કોઇ ગ્રહ પર ઑક્સિજનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રીતે મંગળ ગ્રહને પોતાનું બીજી ઘર કહેવાની દિશામાં માનવજાતે એક મહત્વપૂર્ણ ડગલુ માંડ્યું છે. મંગળ પર ભવિષ્યમાં માનવ વસાહત સ્થાપવા માટે ઓક્સિજન સપ્લાય થઇ શકે તેવું આ રોવરે સાબિત કર્યું છે.

આ અંગે નાસાના એડમિનિસ્ટ્રેટર જીમ રેઉટરે કહ્યું કે, આ ટેક્નોલોજીનો પ્રયોગ 20 એપ્રિલે કરવામાં આવ્યો હતો. આ ટેક્નોલોજી થકી ભવિષ્યમાં મંગળ પર જનારા અવકાશયાત્રીઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકાય તેવી શક્યતા વધી ગઇ છે.

માર્સ પર લેન્ડ થયેલા રોવરમાં કારની બેટરીની સાઈઝનુ એક ગોલ્ડન બોક્સ છે અને તેને મિકેનિકલ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જે કાર્બન ડાયોક્સાઈડના મોલેક્યુલને છુટા પાડવા માટે ઈલેક્ટ્રિસિટી અને કેમેસ્ટ્રીનો ઉપયોગ કરે છે. કાર્બન ડાયોકસાઈડ કાર્બન અને ઓક્સિજન એટમનો બને છે. આમ રોવરનુ મિકેનિકલ ટ્રી કાર્બન ડાયોક્સાઈડમાંથી ઓક્સિજનને અલગ કરે છે.

ઑક્સિજનની માત્રા વધારવાનો પ્રયત્ન

પહેલી વખતમાં આ ઉપકરણ થકી પાંચ ગ્રામ ઓક્સિજન પેદા કરાયો હતો. આટલા ઓક્સિજનથી એક અવકાશયાત્રી 10 મિનિટ શ્વાસ લઈ શકે છે. હવે ઓક્સિજન વધારે માત્રામાં પેદા થાય તે માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે. આ ડિવાઈસની ક્ષમતા વધારીને તે દર કલાકે 10 ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેટલી કરવામાં આવી છે.

(સંકેત)