- મંગળ પર સૂર્યાસ્તને જુઓ
- નાસાએ મંગળ પરના સૂર્યાસ્તની તસવીર ખેંચી
- સૂર્યાસ્તની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી
નવી દિલ્હી: આપણે લોકો પૃથ્વી પરના સૂર્યોદય અને સૂર્યાસ્તને તો રોજબરોજ નિહાળતા હોઇએ છીએ પરંતુ શું તમે મંગળ પર થતા સૂર્યાસ્તની તસવીરો જોઇ છે? જી હા, તો હવે તમે જોઇ શકશો. હકીકતમાં, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પ્રથમ વખત મંગળ પરના સૂર્યાસ્તની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અત્યારસુધી તો બીજા ગ્રહ પર સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો કેવો રહેતો હશે અને કેવા દ્રશ્યો સર્જાતા હશે તેને લઇને માત્ર કલ્પના જ કરી શકાતી હતી. જો હવે નાસાની મંગળ પરના સૂર્યાસ્તની તસવીરે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હવે નાસાએ તસવીરના રૂપમાં આ દ્રશ્યને વિશ્વની સામે મૂક્યું છે.
જોકે આ તસવીર જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે કે, તસવીર મંગળની છે કે પૃથ્વીની .કારણ કે તસવીરમાં પૃથ્વીની જેમ જ મંગળ પર પણ સૂર્ય પહાડોની પાછળ અસ્તાચળે જઈ રહ્યો હોય તેમ લાગે છે.
સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા નાસાએ લખ્યું છે કે, લાલ રંગના ગ્રહ પર ભૂરા રંગનો સૂર્યાસ્ત..નાસાનું રોવર હાલમાં મંગળ ગ્રહ પર છે અને તેણે સૂર્યાસ્તની તસવીર નાસાને મોકલી આપી હતી. જે વિશ્વ સાથે શેર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, 9 નવેમ્બરના રોજ આ તસવીર લેવામાં આવી હતી. રોવર દ્વારા પોતાના મિશનના 257માં દિવસે આ સૂર્યાસ્તની ક્ષણોને કેદ કરવામાં આવી હતી.