- સાઉદી અરેબિયામાં પણ ઓમિક્રોન વેરિએન્ટની દસ્તક
- સાઉદી અરેબિયામાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો
- ઉત્તર આફ્રિકાના દેશના નાગરિકમાં આ પ્રથમ કેસ સામે આવ્યો
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલો કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હવે સતત અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા બાદ હવે તે જાપાન, ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં પણ પ્રવેશી ચૂક્યો છે. સાઉદી અરેબિયાએ બુધવારે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના પ્રથમ કેસની પુષ્ટિ કરી હતી. ઉત્તર આફ્રિકાના દેશના નાગરિકમાં આ પ્રથમ કેસ છે તેવું સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું.
સાઉદી અરેબિયામાં જે વ્યક્તિ સંક્રમિત મળ્યો છે તેના સંપર્કમાં જેટલા લોકો પણ આવ્યા છે તે બધાને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ગલ્ફ દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો પહેલો કેસ છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી ઓમિક્રોન વિશ્વભરના 14 દેશોમાં ફેલાય ચૂક્યો છે. WHOએ પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે.
ઓમિક્રોન વેરિએન્ટ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, લેટિન અમેરિકા, બ્રિટન, યુરોપિયન દેશોમાં ફેલાયો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ મળ્યા છે. એવામાં આ યાત્રીઓને લઇને વધુ સતર્કતા રાખવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પણમ જોખમો ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બ્રિટન, આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાયલને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવતા નાગરિકોના દર બીજા, ચોથા અને સાતમાં દિવસે RTPCR ટેસ્ટ થશે.