Site icon Revoi.in

ફ્રાન્સમાં ચર્ચ પર હુમલો, મહિલાનું ગળું કાપી નાખવામાં આવ્યું, 3 લોકોની હત્યા

Social Share

પેરિસ: ફ્રાન્સમાં હિંસક ઘટનાઓએ જાણે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. પયગંબર કાર્ટુન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળું કાપીને હત્યા કર્યા પછી હવે આ પ્રકારની વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં હુમલાખોરે એક મહિલાનું ગળું કાપી નાખ્યું હતું અને બે અન્ય લોકોની ચપ્પુ મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. ફ્રાન્સના નાઇસ શહેરમાં આ ઘટના ઘટી છે. શહેરના મેયરે આ ઘટનાને આતંકવાદ ગણાવી છે.

આ અંગે માહિતી આપતા મેયર ક્રિશ્ચિયન ઇસ્તોર્સીએ કહ્યું હતું કે ચાકુથી આ હુમલો શહેરની નોટ્રે ડેમ ચર્ચમાં થયો છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. ઘણા ઇજાગ્રસ્ત પણ થયા છે. ફ્રાન્સના એક નેતાએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે એક મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે.

જો કે હાલમાં એ સ્પષ્ટ થયું નથી કે ચર્ચમાં ચાકુથી હુમલો કરીને લોકોની હત્યાને અંજામ આપનાર હુમલાખોરનો મુખ્ય ઇરાદો શું હતો. આનો પયગંભરના કાર્ટુનથી કોઇ મતલબ છે કે નહીં. આ પહેલા ફ્રાન્સના એક ટીચરે પયગંબરનું કાર્ટુન બતાવતા તેમની હત્યા કરી દેવાઇ હતી. આ ઘટના પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ અભિવ્યક્તિની આઝાદી અને ધર્મના ઉપહાસ ઉડાવવાના અધિકારનું સમર્થન કર્યું હતું.

(સંકેત)