- કોરોનાની વેક્સિન બની ગયા બાદ તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાનું કામ છે પડકારજનક
- રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે
- બોંઇગ 747 પ્રકારના 8000 વિમાનોની આવશ્યકતા રહેશે
વિશ્વના કેટલાક દેશોમાં હાલ કોરોનાના સંક્રમણને નાથવા માટેની કોરોનાની વેક્સીનની શોધ અને નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે અને એકવાર વેક્સીન બની ગયા બાદ પણ વધુ એક મોટો પડકાર રસીને સમગ્ર વિશ્વમાં પૂરી પાડવાનો છે. ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વડા એલેક્ઝાન્ડર જુલિયાકે કહ્યું કે વિશ્વભરમાં રસી પહોંચાડવાનું કામ સૌથી મોટો પડકાર છે. રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે. અત્યારથી આ દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
IATAના વડાએ જણાવ્યું હતું કે, વિશ્વના બધા જ દેશોમાં જો સમયસર વેક્સિન પહોંચાડવાની હશે તો ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે. બોંઇગ 747 પ્રકારના 8000 વિમાનો રસીની ડિલિવરી કરશે ત્યારે માંડ બધા દેશો સુધી વેક્સિન પહોંચશે.
વેક્સિન હજુ બની નથી, પરંતુ વેક્સિન તૈયાર થશે ત્યારે કેવી રીતે વિશ્વના ખૂણે ખૂણે તેને પહોંચાડાશે તે મુદ્દે સ્વાસ્થ્ય એજન્સીઓ, ફાર્મા કંપનીઓ અને એરલાઇન્સે રૂપરેખા તૈયાર કરી છે. દવાનું ઉત્પાદન થઇ જાય કે તરત જ દવા પહોંચી જાય એવી કોશિશ થશે. દુનિયાના બધા જ દેશોમાં તાકીદની અસરથી દવા પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ પડકાર હશે.
કાર્ગોથી રસી પહોંચાડવાનું કામ છે આ રીતે પડકારજનક
જણાવી દઇએ કે આમ તો કાર્ગોમાં ઘણી બધી ચીજવસ્તુઓ આસાનીથી આવી જાય છે, પરંતુ દવાની ડિલિવરી કરવાનું કામ અન્ય ચીજવસ્તુઓની સરખામણીએ વધારે મુશ્કેલ અને પડકારજનક હોય છે. વેક્સિનની ડિલિવરી થાય ત્યારે તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. અમુક વેક્સિનમાં તો ઝીરો ડિગ્રી તાપમાન પણ મેઈનટેઈન રાખવું પડતું હોય છે. તેના કારણે કેટલાય વિમાનો વેક્સિનની ડિલિવરી કરી શકતા નથી.
જે વિમાનોમાં તાપમાન માઈનસમાં લઈ જવાની ક્ષમતા ન હોય તે રસીની ડિલિવરીમાં કામ લાગતા નથી. આઈએટીએના કહેવા પ્રમાણે એશિયન દેશો અને આફ્રિકન દેશો સુધી સુધી ડિલિવરી કરવામાં વધારે મુશ્કેલી પડે છે. તેથી વિવિધ દેશોના વડાને આગોતરી તૈયારી કરવાની અપીલ કરવામાં આવી હતી.
(સંકેત)