- પૃથ્વી પર સૌરતોફાન ત્રાટકી શકે છે
- તેનાથી કોમ્યુનિકેશન પ્રણાલી થઇ શકે છે પ્રભાવિત
- વિશ્વના અનેક શહેરોમાં વીજળી ગૂલ થવાની સંભાવના
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે સૌરતોફાનની આફત પૃથ્વી પર તોળાઇ રહી છે. 16 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું સૌરતોફાન જો એટલી જ તીવ્રતાથી ત્રાટકશે તો મોબાઇલ નેટવર્ક અને જીપીએસ સુધીની સર્વિસ પ્રભાવિત થઇ શકે છે.
સૂર્યમાંથી ઉદ્વભવેલું ગરમ તોફાન ધરતી પર ટકરાય તેવી સંભાવના છે. આજે એટલે કે 13મી જુલાઇએ સૂર્ય તરફથી આવેલું આ તોફાન પૃથ્વી પર ત્રાટકશે. તેના કારણે GPS સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક, સેટેલાઇટ ટીવી વગેરે પ્રભાવિત થશે.
સૂર્યના દક્ષિણ ભાગમાંથી આ તોફાન ઉદ્વવ્યું હતું. જો એ તોફાન ત્રાટકશે તો પૃથ્વીમાં થોડી મિનિટો માટે પરેશાની ઉપસ્થિત કરી શકે છે. વિશ્વના અનેક શહેરોમાં વીજળી ગૂલ થવાની પણ આશંકા છે. ખાસ કરીને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના મેગ્નેટિક ફિલ્ડમાં તોફાનની અસર વર્તાશે.
ધરતીના ગુરૂત્વાકર્ષણ સાથે એ તોફાન ત્રાટકશે એટલે તે વિખેરાઈ જાય એવી પૂરી શક્યતા છે, પરંતુ થોડી વાર માટે બધા જ સેટેલાઈટને અસર પડશે અને તેના કારણે મોબાઈલ નેટવર્કની સમસ્યા સર્જાશે. નાસાએ કહ્યું હતું કે એ વખતે આકાશમાં જે વિમાનો ઉડતા હશે તેની જીપીએસ સિસ્ટમ ખોરવાઈ જશે. સેટેલાઈટ ટીવી પણ બંધ પડી જશે.
ઘણાં દેશોનો વીજપૂરવઠો ખોરવાય જાય એવી શક્યતા પણ નકારી શકાતી નથી. પરંતુ તે પછી બધુ ફરીથી યથાવત થઈ જશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી ઉપર સૌથી શક્તિશાળી સૌરતોફાન માર્ચ-1989માં ત્રાટક્યું હતું. એ વખતે કેનેડામાં હાઈડ્રો-ક્યૂબેક ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન 9 કલાક માટે બંધ થઈ ગયું હતું.