અફઘાનિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાને કર્યું ફાયરિંગ, નાસભાગ મચી
- અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્વ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ
- તાલિબાને રેલીને વેરવિખેર કરવા માટે કર્યું ફાયરિંગ
- લોકોએ જીવ બચાવવા માટે દોટ મુકી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં કેટલાક લોકો પાકિસ્તાન વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તાલિબાને તેઓની પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો જીવ બચાવવા ભાગી રહ્યા છે.
કાબુલમાં પાકિસ્તાન વિરોધી રેલી કાઢવામાં આવી હતી ત્યારે તાલિબાનની ક્રૂરતા જોવા મળી છે. રેલીને વેરવિખેર કરવા માટે તાલિબાને ફાયરિંગ કર્યું હતું. આજે અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાન સામે લોકોએ વિરોધ પ્રદર્શન કાઢ્યું જેમાં લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે.
તાલિબાને રાષ્ટ્રપતિ પેલેસ પાસે ફાયરિંગ કર્યું. અહીંયા મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ પેલેસ પાસે કાબુલ સેરેના હોટલ આવેલી છે જ્યાં પાકિસ્તાનની ખાનગી એજન્સી ISIનો ચીફ છેલ્લા એક સપ્તાહથી રોકાયો છે.
પાકિસ્તાનની મદદ લઇને તાલિબાને જે પંજશીર પર હુમલો કર્યો તેને લઇને અફઘાનિસ્તાનના લોકો છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પંજશીરમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા નોર્દર્ન એલાયન્સના ઠેકાણાઓ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે અફઘાનિસ્તાનની જનતામાં રોષ ફેલાયેલો છે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાન ઉપરાંત વોશિંગ્ટનમાં પણ અફઘાની નાગરિકોએ પાકિસ્તાન સામે વ્હાઇટ હાઉસની બહાર વિરોધ કર્યો હતો.