Site icon Revoi.in

અફઘાનિસ્તાન બાદ ગિનીમાં તખ્તાપલટ, સેનાએ દેશ પર કર્યો કબ્જો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન બાદ હવે આફ્રિકાના દેશ ગિનીમાં પણ તખ્તાપલટ જોવા મળ્યું છે. અહીંયા સરકાર બરખાસ્ત કરીને સેનાએ તખ્તાપલટ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. ગિની સેનાના એક વિદ્રોહી કર્નલે સરકારી ટેલિવિઝન પર એલાન કર્યું હતું કે, પ્રેસિડેન્ટ હાઉસ પાસે ગોળીબારના કેટલાક કલાકો પછી પ્રેસિડેન્ટ અલ્ફા કોંડેની સરકાર બરખાસ્ત કરાઇ છે. જમીની સરહદોને પણ સીલ કરાઇ છે.

જો કે બીજી તરફ ગિનીના રક્ષા મંત્રાલય અનુસાર, વિદ્રોહી દળો દ્વારા પ્રેસિડેન્ટ ભવન પર હુમલાને અસફળ બનાવવામાં આવ્યો હતો. ગિનીની રાજધાની કોનાક્રીમાં પ્રેસિડેન્ટ હાઉસ પાસે ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ એક ફ્રાંસના પૂર્વ સેનાપતિ મામાડી ડૌંબૌયા સામેલ છે તેવું મનાઇ રહ્યું છે.

ગિની પર કબ્જો લીધાના દાવા સાથે સેનાએ દેશમાં કામચલાઉ સરકાર ગઠનની યોજના અંગે પણ જાહેરાત કરી હતી. જો કે સરકાર વિશે માહિતી આપવાથી ઇનકાર કરી દીધો હતો. આ ઘટનાક્રમમાં ગિનીના પ્રેસિડેન્ટ ગુમ થઇ ગયા છે. તેઓ હાલમાં કઇ પરિસ્થિતિમાં છે તે અંગે કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

નોંધનીય છે કે, ગિનીના પ્રેસિડેન્ટ કોંડે 83 વર્ષના છે અને એમનો આ ત્રીજો કાર્યકાળ છે. જે વિવાદોથી ભરેલો હતો. તેમણે બંધારણીય કાર્યકાળને ઓળંગીને જાતે જ પ્રેસિડેન્ટ બનવાની જાહેરાત કરી દીધી હતી જે પછી ગિનીમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા.