Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ માત્ર 1 કેસ નોંધાતા ફરી લોકડાઉન લાગૂ કરાયું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા કોરોના મુક્ત થનારો દેશ ન્યૂઝીલેન્ડ હતો અને હવે ફરીથી કોરોનાનો માત્ર એક કેસ આવતા જ ન્યૂઝીલેન્ડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સરકારે દેશભરમાં ત્રણ દિવસ માટે લોકડાઉન લાગૂ કર્યું છે. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા અર્ડર્ને મહામારીને સમાપ્ત કરવા લોકોને સહયોગની અપીલ કરી. અર્ડર્ને નાગરિકોને કહ્યું કે, અન્ય જગ્યાઓ પર શું થયું એ આપણે જોયું. તેથી આપણે સતર્ક રહેવું પડશે.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને કહ્યું હતું કે, સંક્રમિત વ્યક્તિ ઑકલેન્ડનો છે અને તેણે કોરોમંડેલની મુલાકાત લીધી હતી. આ બંને સ્થળોએ સંપૂર્ણ લોકડાઉન સાત દિવસ માટે લાગુ રહેશે. દેશના બાકીના ભાગોમાં, લોકડાઉન માત્ર ત્રણ દિવસ માટે લાગુ કરવામાં આવશે. લોકડાઉન જાહેર થતા જ લોકો સુપરમાર્કેટની બહાર ભીડ કરી રહ્યાં છે.

ન્યૂઝીલેન્ડમાં કોવિડ-19નો પહેલો કેસ છ મહિના પછી સામે આવ્યો. ન્યૂઝીલેન્ડના સૌથી મોટી શહેર ઑકલેન્ડમાં એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ આવ્યો. કોવિડના કેસ અને તેની સીમા સાથેના સંબંધ વિશે હજુ સુધી કંઇ સ્પષ્ટ નથી તેવું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ વ્યક્તિ કેવી રીતે સંક્રમિત થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઓકલેન્ડનું સ્થાનિક પબ્લિક યૂનિટ સંક્રમિત વ્યક્તિનો ઈન્ટરવ્યુ લઈ રહ્યું છે, જેથી તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ થઈ શકે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જે પણ ઓકલેન્ડમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે અથવા જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન નથી કરી શકી રહ્યા તેઓએ તકેદારી રાખવી પડશે.