એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ 31000 કરોડ રૂપિયા કરશે ડોનેટ
- એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પૂર્વ પત્નીએ ડોનેશન કરવાની કરી જાહેરાત
- જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ 31000 કરોડ રૂપિયાનું દાન કરશે
- આ પહેલા તેઓ 116 સંગઠનોને 1.7 અબજ ડોલર એટલે અંદાજે 12000 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે
વોશિંગ્ટન: ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સાથે છૂટાછેટા લીધા બાદ વળતર પેટે મળેલા પૈસાને કારણે મેકેન્ઝી સ્કોટ રાતોરાત વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાં લિસ્ટમાં આવી ગઇ હતી.
હાલમાં બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી આ લિસ્ટમાં 22માં સ્થાને છે. જો કે છૂટાછેટા બાદ તેમણે જરૂરિયાતમંદ લોકોને સંપત્તિનું દાન કરવાની જાહેરાત કરી છે અને મેકેન્ઝીએ વાયદો કર્યો છે કે, પોતાની સંપત્તિમાંથી અંદાજે 4 અબજ ડોલર એટલે કે 31000 કરોડ રૂપિયાનું દાન કરશે.
છેલ્લા 4 મહિનામાં તેમણે બીજી વખત આવી જાહેરાત કરી છે, આ પહેલા તેઓ 116 સંગઠનોને 1.7 અબજ ડોલર એટલે અંદાજે 12000 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે. હવે તેમણે ફરી દાન આપવા માટે 384 જેટલા સંગઠનોની પસંદગી કરી છે. સ્કોટે તેમના બ્લોગ પર ચિંતા વ્યક્ત કરી છે કે, કોરોના મહામારેન કારણે અમેરિકાની હાલત કથળી છે અને લોકોને આર્થિક નુકસાન થયું છે. જેઓ પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યા હતા તેમને વધારે નુકસાન થયું છે. કોરોના મહામારીને કારણે સૌથી વધારે મહિલાઓ, અશ્વેત અને ગરીબોને સહન કરવાનો વારો આવ્યો છે.
મેકેન્ઝી સ્કોટે પોતે જે સંસ્થાઓને દાન આપવાનું છે તેનું લિસ્ટ જાહેર કર્યું છે. આ સંગઠનોને પસંદ કરતા પહેલા તેમણે સમીક્ષા પણ કરી હતી.
નોંધનીય છે કે સ્કોટની કુલ સંપત્તિ અંદાજે 4 લાખ કરોડ રૂપિયા છે. તેમણે જુલાઇ મહિનામાં બેઝોસ સાથે છૂટાછેડા લીધા હતા અને આ સંપત્તિ તેમને વળતર સ્વરૂપે મળી હતી.
(સંકેત)