Site icon Revoi.in

અમેરિકામાં કુદરતનો પ્રકોપ, ભીષણ ઠંડીથી 1 કરોડ લોકો પર તોળાતું સંકટ

Social Share

ન્યૂયોર્ક: અમેરિકામાં કુદરતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં બર્ફીલા તોફાનને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. સતત થઇ રહેલી હિમવર્ષનાને કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત નિપજ્યા છે. ટેક્સાસમાં 44 લાખ લોકો વીજળીની સુવિધા વગર ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. ટેક્સાસની 100થી વધુ કાઉન્ટીમાં વીજળી અને પાણીના પુરવઠાને વિકટ પ્રભાવ પડ્યો છે. લોકોને હાલમાં ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે અને 200થી વધારે રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. હાલ તે વિસ્તારના વેક્સિનેશન સેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને વૃદ્વોને બચાવવા માટે નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાની 1 કરોડ કરતાં પણ વધારે વસ્તી બરફમાં ઠુંઠવાઇ રહી છે. ટેક્સાસમાં સતત બર્ફીલા તોફાનોના કારણે વીજળીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્ટેટ પાવર ગ્રિડમાં સતત ખરાબી આવી રહી છે અને ગેસ, તેલની પાઇપલાઇનો પણ જામી ગઇ છે.

21 લોકોના મોત

ટેક્સાસ, કેંટકી, લુસિયાના તેમજ મિસૌરીમાં અત્યારસુધીમાં 21 લોકોના મોત થયા છે. વાતાવરણ સતત ખરાબ થઇ રહ્યું છે અને મિસિસિપી, મિનેસોટામાં પણ આવી જ સ્થિતિ છે. હવામાન વિભાગે ટેક્સાસ, અરકંસાસ અને મિસિસિપીમાં ફરીથી તોફાન આવશે તેવી ચેતવણી આપી છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને પોતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા રાજ્યોની સંપૂર્ણપણે મદદ કરશે તેવી ખાતરી આપી છે. બર્ફીલા તોફાનોના કારણે ઓહાયોથી લઈને રિયો ગ્રેંડે સુધીનું સંપૂર્ણ ક્ષેત્ર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. લિંકન અને નેબરાસ્કા શહેરનું તાપમાન માઈનસ 31 ડિગ્રીથી પણ નીચું જતું રહ્યું છે.

ટેક્સાસ ઉપરાંત મેક્સિકોની સ્થિતિ પણ વણસેલી છે. ઉત્તરી મેક્સિકોમાં બ્લેકઆઉટના કારણે એક જ દિવસમાં ફેક્ટરીઓને 2.7 બિલિયન ડૉલર (આશરે 19,000 કરોડ કરતા વધારે)નું નુકસાન થયું છે. બર્ફીલા તોફાનોના કારણે ઉદ્યોગ-ધંધાને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે.

(સંકેત)