- અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ જહાજોને મોકલવાનું યોગ્ય ગણાવ્યું
- આ યુદ્વ જહાજો મોકલવા વિરુદ્વ ચીનના વાંધાને પણ અમેરિકાએ ફગાવ્યો
- અમેરિકાએ કરી સ્પષ્ટતા – તે દક્ષિણ એશિયાની સાથે મજબૂતી સાથે ઉભુ રહેશે
વોશિંગ્ટન: જો બાઇડેનના પ્રશાસન દરમિયાન પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ યથાવત્ જોવા મળી રહી છે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં વોશિંગ્ટનના યુદ્વ જહાજો મોકલવાને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યોગ્ય ગણાવતા ડ્રેગનના વાંધાને ફગાવી દીધો છે. એટલું જ નહીં અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે તે દક્ષિણ એશિયાની સાથે મજબૂતી સાથે ઉભુ રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ફિલિપાઇન્સના વિદેશ મંત્રી ટેડ્રો લોકિનની સાથે વાતચીતમાં કહ્યું કે અમેરિકા દક્ષિણપૂર્વ એશિયાઇ દેશોની સાથે ઉભુ છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી નિવેદનમાં પણ કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું કે અમેરિકા દક્ષિણપૂર્વ એશિયાઇ દેશોની સાથે સંપૂર્ણપણે ઉભુ છે અને તેના વિસ્તારમાં કોઇપણ પ્રકારના દબાણની રાજનીતિ નહીં થઇ શકે.
ચીન ખનીજ તત્વોથી સંપન્ન સાઉથ ચાઇના સી પર દાવો કરે છે. આ વિસ્તાર વિશ્વનો સૌથી મોટો વ્યાપારિક રસ્તો ગણાય છે. જો કે ફિલિપાઇન્સ, બ્રુનેઇ, વિયેતનામ, મલેશિયા તેમજ તાઇવાન ચીનના દાવાને ફગાવતા રહ્યા છે. અમેરિકાએ ચીન પર એવો આરોપ લગાવ્યો છે કે ચીન કોરોના વાયરસની મહામારીનો ફાયદો ઉઠાવીને દક્ષિણ ચીન સાગરમાં પોતાનું પ્રભુત્વ વધારવાની ફિરાકમાં છે.
બ્લિંકેને સાઉથ ચાઇના સીમાં ડ્રેગનના દાવાને ફગાવતા કહ્યું હતું કે ચીને આંતરરાષ્ટ્રીય કાયદાને માનવો જોઇએ. આપને જણાવી દઇએ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી જ ચીનની સાથે અમેરિકાના સંબંધો કડવાશભર્યા રહ્યા છે. કોરોના મહામારી, હોંગકોંગના મુદ્દે, વ્યાપાર તેમજ મુસ્લિમોની સાથે ચીનના વલણને લઇને સતત તણાવ રહ્યો છે.
(સંકેત)