Site icon Revoi.in

ભારતની કોરોના સામેની લડતમાં ઓસ્ટ્રેલિયાનું સમર્થન, ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીએ ત્રિરંગો કરીને એકતા દર્શાવી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી ઘાતક લહેરમાંથી ભારત પસાર થઇ રહ્યું છે ત્યારે ભારતની આ લડતમાં ઓસ્ટ્રેલિયાએ પણ સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને મેડિકલ સંસાધનો પૂરા પાડ્યા છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી ધ યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ, મિત્રો, ફેકલ્ટી સાથે એકતા દર્શાવવા 14 મે રોજ તેમના લાઇબ્રેરીના ટાવર પર ત્રિરંગો પ્રકાશિત કર્યો હતો.

સંપૂર્ણ ઇમારત પર લાઇટના માધ્યમથી ત્રિરંગો જોવા મળ્યો હતો. તે ઉપરાંત સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા અને ઓલ સફરિંગ ફ્રોમ ધી પેંડેમિક જેવા સંદેશ પણ જોવા મળ્યા હતા. યુનિવર્સિટી દ્વારા આ તસવીરને ટ્વીટર હેન્ડલ પર શેર કરાઇ છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ્સ પર અસ્થાયી પ્રતિબંધ પૂર્ણ થાય છે. વચન મુજબ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરી દેવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેડિકલ સપ્લાય કરતી ફ્લાઇટ પણ 14 મેના રોજ ભારત મોકલવામાં આવી છે. સંકટમાં મદદ માટે 1056 વેન્ટિલેટર, 60 ઓક્સિજન કન્સેટ્રેટર અને અન્ય આવશ્યક પુરવઠો લઈ ગત શુક્રવારે સિડનીથી ફ્લાઇટ રવાના થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3.26 લાખ નવા કેસ નોંધાયા છે. જયારે 3890 લોકોના મોત થયા છે. દેશમાં કુલ 2,43,72,907 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડા કહી રહ્યા છે.