અમારા સંકટના સમયમાં ભારતે વેક્સિન મોકલાવી હતી, તે ઉદારતા ના ભૂલી શકાય: સ્કોટ મોરિસન
- ઓસ્ટ્રેલિયા અને ભારતના પીએમ વચ્ચે ફોનમાં થઇ વાતચીત
- પીએમ મોદીએ મદદ માટે ઓસ્ટ્રેલિયાના પીએમનો આભાર માન્યો
- ભારતે વેક્સીન મોકલાવીને દાખવેલી ઉદારતા ના ભૂલી શકાય: ઓસ્ટ્રેલિયન પીએમ
નવી દિલ્હી: હાલમાં ભારત કોરોના સંક્રમણની બીજી લહેરનું ભોગ બન્યું છે અને દેશમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને પીએમ મોદી વચ્ચે કોરોનાના આ સંકટને લઇને ફોન પર વાતચીત થઇ હતી.
આ ફોનની વાતચીત અંગે ખુદ ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારા મિત્ર પીએમ મોદી સાથે હમણાં વાત થઇ. તેમણે કોવિડના આ સંકટકાળમાં ભારત સાથે ઉભા રહેવા બદલ ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો છે. અમે વેન્ટિલેટર તેમજ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપીને ભારતને સહયોગ કરી રહ્યા છે. અમારા સંકટના સમયમાં ભારતે વેક્સિન આપીને જે ઉદારતા દર્શાવી હતી તે અમે ભૂલી શકીએ તેમ નથી. વૈશ્વિક પડકારો સામે બંને દેશો સંયુક્તપણે એકજૂટ થઇને કામ કરશે.
ભારતના આ સંકટના સમયમાં વિશ્વને અનેક દેશોએ ભારત પર સહાયનો ધોધ વરસાવ્યો છે. અનેક દેશોમાંથી ઓક્સિજન, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, માસ્ક, પીપીઇ કિટ્સ, મેડિકલ સપ્લાય સહિતના ઉપકરણોની સહાય મોટા પાયે મળી રહી છે.
નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પાયનેએ કહ્યું હતું કે, આ મુશ્કેલ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ભારતની સાથે છે. આ સાથે તેમણે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ખેપ વિમાનમાં લોડ થઇને ભારત પહોંચી હોવાની જાણકારી આપી હતી.
(સંકેત)