ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બેક્ટેરિયાના સ્ટ્રેન મળ્યા, મંગળ પર વનસ્પિત ઉગે તેવી સંભાવના
- નાસા દ્વારા મંગળ ગ્રહને લઇને એક રસપ્રદ સંશોધન હાથ ધરવામાં આવ્યું
- કેટલાક સુક્ષ્મ જીવો મંગળ ગ્રહ પર અસ્થાયી રીતે જીવતા રહી શકે છે
- આ સુક્ષ્મજીવોની મદદથી જ મંગળની સપાટી પર ફૂલ છોડ ઉગાડવા શક્ય બનશે
નવી દિલ્હી: નાસા દ્વારા મંગળ ગ્રહને લઇને એક રસપ્રદ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. એક અભ્યાસ અનુસાર કેટલાક સુક્ષ્મ જીવો મંગળ ગ્રહ પર અસ્થાયી રીતે જીવતા રહી શકે છે. આ સુક્ષ્મજીવોની મદદથી જ મંગળની સપાટી પર ફૂલ છોડ ઉગાડવા શક્ય બનશે. છોડને પૃથ્વીની બહાર ઉગાડીને વિકાસ માટે બેક્ટેરિયાની આવશ્યકતા પડે છે. સંશોધકોએ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનના વિવિધ સ્થળોએ મેથિલો બેક્ટેરિયા કૂળના બેકેટેરિયાની 4 સ્ટ્રેનની શોધ કરી છે જેમાંથી 1 સ્ટ્રેનની ઓળખ મિથાઇલોરુબ્રમન રોડેશિયાનમના સ્વરૂપે કરવામાં આવી છે જ્યારે અન્ય 3 અગાઉ જોવા મળ્યા ન હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મિથાઇલોબેક્ટીરિયમ પ્રજાતિઓ નાઇટ્રોજન બંધારણ, ફોસ્ફેટમાં ભળી જવું અને વિષમ પરિસ્થિતિઓમાં છોડના વિકાસ અને રોગકારકો સામે લડવા માટે જાણીતી છે. જાણીતા બાયો ડાયવર્સિટી ક્ષેત્રના સંશોધક ડૉ અજમલખાનના માનમાં બેક્ટેરિયાની નવી પ્રજાતિ મેથિલોબેક્ટીરિયમને અજમલી નામ પાળવાનો પ્રસ્તાવ છે.
આ અંગેનું સંશોધન માઇક્રોબાયોલોજી ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત થઇ છે. આ સંશોધન અંગે નિષ્ણાતોનું માનવું છે કે અંતરીક્ષમાં પાક ઉગાડવા માટે બેકટેરિયાના સ્ટ્રેનમાં જૈવ ટેકનીકી સ્વરુપે ઉપયોગી બને તેની આનુવાંશિકતા હોઇ શકે છે. જો કે આ તો સાવ પ્રાથમિક અનુમાન છે પરંતુ અંતરિક્ષમાં બેકટેરિયાના સ્ટ્રેનની મદદથી ખેતી થઇ શકે છે તેના માટે હજુ ઘણા સંશોધન પ્રયોગોની જરુર છે.
નાસા માનવીઓને મંગળ ગ્રહ પર લઇ જવાની મહત્વકાંક્ષા ધરાવે છે. નાસા અંતરિક્ષ જીવવિજ્ઞાાન કાર્યક્રમ (સ્પેસ બાયોલોજી પ્રોગ્રામ) દ્વારા સૂક્ષ્મજીવોની ઉપસ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના સર્વક્ષણનું કામ કરવામાં આવી રહયું છે. હાલમાં કુલ 8 સ્થાનો પર સ્પેસ સ્ટેશન પર બેકટેરિયાના વિકાસ પર નજર રાખવામાં આવી રહી છે. આ સંશોધન કાર્ય છેલ્લા 6 વર્ષથી ચાલી રહયું છે.
(સંકેત)