નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ અમેરિકી સૈન્યની ઘરવાપસી બાદથી અહીંયા મોટા ભાગના વિસ્તારો પર હાલમાં તાલિબાનીઓનું વર્ચસ્વ તેમજ અંકુશ છે ત્યારે ઘરવાપસી સમયે અમેરિકાએ ચૂપચાપ એના સૌથી મોટા આર્મી બેઝ બગરામને પણ ખાલ કરીને તાલિબાનીઓને હવાલે કરી દીધો હતો. જો કે હવે અહીં મોટા પ્રમાણમાં ગતિવિધિઓ જોવા મળી રહી છે ત્યારે અહીંયા કબ્જાને લઇને અનેક અટકળો થઇ રહી છે. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે થોડાક દિવસો પહેલા જ ચીનના જાસૂસો અહીં રેકી કરી ગાય હોવાના ગુપ્ત અહેવાલ છે.
મીડિયા અહેવાલ અનુસાર અમેરિકાના સૌથી મોટા સેના બેઝ બગરામ એરપોર્ટ પર ફરી એકવાર લાઇટ્સ જોવા મળી છે. અહીં ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે. જો કે બગરામ પર કોણ રાજ કરી રહ્યું છે તે અંગે મીડિયામાં કોઇ ખુલાસો નથી કરવામાં આવ્યો.
કેટલાક દિવસો પહેલા ચીનના એક પ્રિતિનિધ મંડળે આ એરબેઝની ગુપ્ત મુલાકાત લીધી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની જાસૂસ અહીંથી અમેરિકા વિરુદ્ધ પૂરાવા અને આંકડા ભેગા કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ચીનના જાસૂસ અહીં તાલિબાન અને પાકિસ્તાનની મદદથી એખ ગુપ્ત કેન્દ્ર બનાવવા ગયા હતા, જેથી ચીનમાં રહેલા ઉઇગર મુસ્લિમોને કરવામાં આવતી મદદ પર નજર રાખી શકાય.
બીજી તરફ ચીનના જાસૂસ પાકિસ્તાનના રસ્તે અફઘાનિસ્તાન પહોંચ્યા હતા જેથી કાબૂલ એરપોર્ટ પર એ કોઇની નજરમાં ના આવે. ચીનની આ હરકત પર ભારતની ચિંતામાં વધારો થયો છે. રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઉચ્ચ અધિકારીઓ અનુસાર, સરકાર બગરામ એરપોર્ટ પર ચીની જાસૂસોના મુલાકાતની પુષ્ટિ કરી રહી છે.