Site icon Revoi.in

US ELECTIONS 2020: પોલમાં બિડેન ટ્રમ્પ કરતાં મામુલી માર્જિનથી આગળ

Social Share

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રમુખ પદ માટેના બે પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનમાંથી કોણ ચૂંટાશે તે સવાલ હવે વિશ્વવ્યાપી બન્યો છે. અમેરિકાના નેશનલ પોલ પ્રમાણે પ્રમુખ બનવાના બિડેનના ચાન્સ 51 ટકા જ્યારે ટ્રમ્પના ચાન્સ 49 ટકા છે. એટલે કાંટે કી ટક્કર કહી શકાય. કોઇ એક ઉમેદવાર નોંધપાત્ર રીતે આગળ નથી. તે ઉપરાંત અમેરિકી સમાચાર ચેનલ CNN દ્વારા પણ પોલ-સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં બિડેનને 52 ટકા અને ટ્રમ્પને 48 ટકા મતો મળ્યા હતા.

બીજી તરફ અમેરિકામાં અર્લી વોટિંગનો પ્રારંભ થઇ ચૂકયો છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં અર્લી વોટિંગની પ્રથા છે, જેમાં મતદારો નિર્ધારિત તારીખ અગાઉ મતદાન કરી શકતા હોય છે. આ પ્રથાનો ઉદ્દેશ મતદાનની ટકાવારી વધારવાનો છે, કેમ કે તેના દ્વારા મતદારો અનુકૂળતા પ્રમાણે મત આપી શકે છે. ટ્રમ્પ પણ અર્લી મતદાન કરી ચૂક્યા છે.

કોરોના મહામારી દરમિયાન અમેરિકાના અનેક રાજ્યોએ આ પ્રથા શરૂ કરી દીધી છે. મતદાનની દૃષ્ટિએ સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં અર્લી વોટિંગ હેઠળ અંદાજે 70 લાખ લોકોએ મતદાન કરી દીધું છે.

આપને જણાવી દઇએ કે અત્યારે રૂજ થતા પોલ અને વાસ્તવિક મતદાન વચ્ચે અંતર જોવા મળતું હોય છે. જેમ કે વર્ષ 2016ની ચૂંટણી વખતે પોલમાં ટ્રમ્પના હરિફ હિલેરી ક્લિન્ટન આગળ હતા. પરંતુ છેવટે તેઓ હારી ગયા હતા. અમેરિકામાં આગામી 3 નવેમ્બરે મતદાન થનાર છે.

(સંકેત)