- અમેરિકી પ્રમુખ જો બાઇડને પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું
- બાઇડને 6 ટ્રિલિયન ડોલરનું બજેટ રજૂ કર્યું
- ક્લાઇમેન્ટ ચેન્જ માટે 800 અબજ ડોલરની ફાળવણી
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જો બાઇડને 6 ટ્રિલિયન ડોલરનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં સૌથી વધુ ફાળવણી પેન્ટાગોન અને અન્ય સરકારી કાર્યાલયોના સંચાલન માટે કરાઇ હતી.
ક્લાઇમેન્ટ ચેન્જ માટે 800 અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટમાં અમીરો પાસેથી વધુ ટેક્સ વસૂલાતની જોગવાઇને કારણે બાઇડેનના પ્રથમ બજેટને અમીરો માટે ફટકો કહી શકાય.
બાઇડેન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને કોંગ્રેસની મંજૂરી મળવાની બાકી છે. પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીએ બજેટ પર પ્રશ્ર ઉભા કરતા જણાવ્યું હતું કે આ બજેટથી દેશ દેવામાં ડૂબી જશે. કોર્પોરેટ ટેક્સ 21 ટકાથી વધારી 28 ટકા કરવામાં આવી છે.
બજેટમાં વ્યક્તિગત ઇન્કમટેક્સનો સૌથી વધુ દર વધારીને 39.6 ટકા કરવામાં આવ્યો છે. રિપબ્લિકન પાર્ટીના સેનેટર ગ્રાહમે બજેટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે, આવા બજેટને કારણે 2031 સુધીમાં અમેરિકાનું દેવું વધીને જીડીપીના 117 ટકા થઇ જશે. જે બીજા વિશ્વયુદ્વ પછી સૌથી વધારે હશે.
અમેરિકાના બજેટ અહેવાલ મુજબ ચાલુ વર્ષમાં નાણાકીય ખાધ વધીને 3.7 ટ્રિલિયન ડોલર જવાનો અંદાજ છે જે અત્યાર સુધીની સર્વાિધક સપાટી હશે. આગામી વર્ષે નાણાકીય ખાધ ઘટીને 1.8 ટ્રિલિયન થવાનો અંદાજ છે. જો કે નાણાકીય ખાધની આ સપાટી પણ કોરોના પહેલા કરતા બમણી છે.
અમેરિકાનું દેવું વધીને 30 ટ્રિલિયન ડોલર થઇ જવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સહાય માટે અગાઉ જ પાંચ ટ્રિલિયન ડોલર ફાળવવામાં આવ્યા છે. જેના પરિણામે ચાલુ વર્ષે અને આગામી વર્ષે સરકાર એક ડોલરનો ખર્ચ કરશે તો તેમાં 50 સેન્ટ ઉછીના લેવા પડશે.
અમેરિકાના બજેટ મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 2.3 ટ્રિલિયન ડોલર, અમેરિકન ફેમિલી પ્લાન માટે 1.8 ટ્રિલિયન ડોલર ફાળવવાની જોગવાઇ છે.