- આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનને વધુ એક ઝટકો
- FATFના પેસિફિક ગ્રૂપે પાક.ને એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં રાખવાની કરી જાહેરાત
- પાકિસ્તાને FATFએ રાખેલી 40 શરતોમાંથી માત્ર 2 શરતોનું જ કર્યું પાલન
ઇસ્લામાબાદ: પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમમાં બહાર નીકળવાના શમણાં સેવતું હતું. જો કે પાકિસ્તાનની આ આશા પર પાણી ફરી વળ્યું હતું. ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર પાબંધી લગાવવામાં નિષ્ફળ નિવડેલા પાકિસ્તાનને FATFના એશિયા એકમ પેસિફિક ગ્રૂપે એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં કાયમ રાખવાની જાહેરાત કરી છે.
FATF એ ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગ મામલે પાકિસ્તાનને જે સૂચનો કર્યા હતા તેનો અમલ કરવામાં પાકિસ્તાને આંખ આડા કાન કર્યા હતા અને અનેક બહાના કાઢ્યા હતા. પાકિસ્તાનની આ ઉપજાવી કાઢેલી વાતો FATFના ગળે ઊતરી નહોતી. એ જ કારણોસર એશિયા પેસિફિક ગ્રૂપે પાકિસ્તાનને એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં રાખ્યું હતું.
આપને જણાવી દઇએ કે FATFએ પાકિસ્તાનને 40 શરતો તૈયાર કરી આપી હતી. પાકિસ્તાને એના પર અમલ કરવાનો હતો. પાકિસ્તાને 40માંથી માત્ર 2 શરતનો અમલ કર્યો હતો. બાકીની શરતોનું અમલ કરવામાં એ બહાનાં કાઢી રહ્યું હતું.
મહત્વનું છે કે, 21 થી 23 ઑક્ટોબર વચ્ચે FATFની સમીક્ષા બેઠક યોજાવાની છે. એ દરમિયાન પાકિસ્તાન સતત ગ્રે લિસ્ટની બહાર નીકળી શકે તે માટે વલખાં મારી રહ્યું છે. હવે 21 થી 23 ઑક્ટોબરના રોજ યોજાનારી બેઠકમાં FATF પાકિસ્તાનનું ભાવિ નક્કી કરશે.
(સંકેત)